અમેરિકન યુટ્યુબર મિશેલ ખરેએ હૉલીવુડના ટૉમ ક્રૂઝની ૨૦૧૫માં આવેલી ‘મિશન ઇમ્પોસિબલ રૉગ નેશન’માં પ્લેન પર લટકવાનો સ્ટન્ટ પોતાની યુટ્યુબ ચૅનલ માટે રીક્રીએટ કર્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અમેરિકન યુટ્યુબર મિશેલ ખરેએ હૉલીવુડના ટૉમ ક્રૂઝની ૨૦૧૫માં આવેલી ‘મિશન ઇમ્પોસિબલ રૉગ નેશન’માં પ્લેન પર લટકવાનો સ્ટન્ટ પોતાની યુટ્યુબ ચૅનલ માટે રીક્રીએટ કર્યો હતો. આ દૃશ્યમાં ટૉમ ક્રૂઝ એક C-130 મિલિટરી ઍરક્રાફ્ટની પાછળની સાઇડ પર લટકેલો જોવા મળે છે. આ વિમાન ટેક-ઑફ પણ થઈ જાય છે. મિશેલે આ જ દૃશ્ય રિયલ લાઇફમાં ફરીથી ફિલ્માવ્યો હતો. આ આખા અનુભવને મિશેલે યુટ્યુબ ચૅનલ પર ડૉક્યુમેન્ટ કર્યો હતો. આ સ્ટન્ટ કરતાં પહેલાં તેણે કેટલાંય અઠવાડિયાંઓની કઠિન ટ્રેઇનિંગ લીધી હતી જેથી સ્ટન્ટ અસલમાં જેવો હતો એવી જ રીતે પર્ફોર્મ કરી શકે. મિલિટરીના વિમાનની સ્પીડ લગભગ ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. એ વખતે પ્લેનને પકડીને લટકી રહેવું મુશ્કેલ છે. અલબત્ત, સ્ટન્ટ દરમ્યાન મિશેલે સેફ્ટી ડિવાઇસ પહેરેલાં હતાં. એમ છતાં આ સ્ટન્ટમાં ખતરો તો હતો જ. આ માટે તેણે વિન્ડ ટનલમાં પ્રૅક્ટિસ કરી હતી જેથી તે પ્રોફેશનલ સ્ટન્ટમૅનની જેમ કામ કરી શકે. મિશેલનું કહેવું છે કે જો મારે ટૉમ ક્રૂઝને કહેવું હોય કે મારી સાથે કોઈ સ્ટન્ટ કરે તો મારે પહેલાં એ માટે જાતને સાબિત કરવી પડે, તેમના જ સ્ટન્ટને રીક્રીએટ કરીને મેં એમ કર્યું છે.


