Joravarsinh Jadav સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા એક એવા માણસ હતા, જેમણે લોક કલાકારોના ઉત્કર્ષ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું.
જોરાવરસિંહ જાદવ
જાણીતા લોકસાહિત્યકાર, લોકકળાવિદ્ અને અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav)નું આજે સાતમી નવેમ્બર, ૨૦૨૫ ખાતે શુક્રવારે સવારે ૫.૦૦ વાગ્યે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પ્રોફેસર કોલોનીમાં નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા. થોડા દિવસથી તેમને થાઇરોઇડની સમસ્યા હોવાથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એ પછી તેમને તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યા હતા. તેમને ભારત સરકારે ૨૦૧૯માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા. આ ઉપરાંત તેમને મેઘાણી સુવર્ણચંદ્રક (૧૯૭૫), ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક, એન.સી.ઈ. આર. ટી.નું પ્રથમ પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (૨૦૧૨) મળ્યા હતા. તેમણે સોથી વધુ પુસ્તકો લખ્યાં છે. સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી હતી. જોરાવરસિંહ જાદવનો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હલુભાઈ અને માતાનું નામ પામબા હતું. જેઓ વ્યવસાયે ખેડૂત હતા. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના બાળક હતા. તેમનું બાળપણ આકરુ ગામમાં વીત્યું હતું અને તેમનો ઉછેર તેમનાં સાવકી માતા ગંગાબાએ કર્યો. જોરાવરસિંહ (Joravarsinh Jadav)ને બાળપણમાં લોકસાહિત્ય અને લોકકલાઓનો ઊંડો અનુભવ પ્રાપ્ત થયો હતો.
ઇ.સ. ૧૯૬૩માં અનુસ્નાતક થયા પછી તેમણે પંચશીલ હાઈસ્કૂલ, સરસપુરમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે સેવા બજાવી હતી. લોકસાહિત્યની સેવા કરવા માટે તેમને સેંટઝેવિયર્સ કોલેજની પ્રોફેસરની નોકરી છોડી હતી અને વર્ષો સુધી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં ફરજ બજાવી હતી. પોતાના વતનમાં તેમને લોકકળાનું સુંદર સંગ્રહાલય કર્યું હતું. જે જોવા જેવું છે. કોઈ વ્યક્તિ વતનમાં સંગ્રહાલય કરે તે નવાઈ લાગે તેવી વાત છે. તેમના જીવન અને કાર્યની અનેક વિશેષતાઓ હતી.
ADVERTISEMENT
જોરાવરસિંહના લગ્ન મે, ૧૯૬૩માં દાંતા તાલુકાના ભવાનગઢ ગામના વદનસિંહ ચાવડાની પુત્રી સજ્જનબા સાથે થયા હતા. તેમને બે સંતાન થયાં હતાં.( ચિત્રાદેવી અને રાજેશ્રી) પરંતુ અકસ્માતમાં સજ્જનબાનું અવસાન થતાં તેમણે ઇ.સ. ૧૯૬૯ના રોજ હેમકુંવરબા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. હેમકુંવરબા અને જોરાવરસિંહને ત્રણ સંતાન ( સુપ્રિયા, રાજકુમારી અને નરેન્દ્રસિંહ ) થયાં હતાં.
જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav) સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા એક એવા માણસ હતા, જેમણે લોક કલાકારોના ઉત્કર્ષ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક હતા. ભારત સરકારની નવી દિલ્હી સ્થિત સંગીત નાટ્ય અકાદમીના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ હતા.
તેમની કામગીરીની આછી ઝલકઃ
સરસ મજાનો ધોરીમાર્ગ હોય, બિલકુલ ખાડાખૈયા ન હોય, રસ્તાની સપાટી એકસરખી હોય, રસ્તો સીધો જતો હોય, ચાલવાની બધા જ પ્રકારની અનુકૂળતા હોય. આવા રસ્તા પર ચાલવું સહેલું છે. રસ્તો સારો હોય, પણ હવામાન બરાબર ન હોય, પ્રકાશ ઓછો હોય, જે બાજુ જવાનું હોય એ બાજુથી જ જારદાર પવન આવતો હોય... આવા રસ્તા પર ચાલવું અઘરું છે. રસ્તાનાં કંઈ ઠેકાણા ન હોય, ખાડાખૈયા ઘણી મોટી સંખ્યામાં હોય, રસ્તો આડોઅવળો જતો હોય, હવામાન પ્રતિકૂળ હોય, અંધારું હોય, સામી બાજુથી સખત પવન વાતો હોય... આવા રસ્તા પર ચાલવું ખૂબ કઠિન છે. પોતાના જીવનમાં આ ત્રીજા વિકલ્પ ઘણી ઓછી વ્યક્તિઓ પસંદ કરતી હોય છે, તેમાંય જીવનમાં સરળ બીજા ઘણા વિકલ્પ હોય ત્યારે આવો વિકટ માર્ગ પસંદ કરનારી વ્યક્તિ તો ભાગ્યે જ મળે! પણ જો એ વ્યક્તિનું નામ જોરાવરસિંહ જાદવ હોય તે આ વિકટ રસ્તા પર જ ચાલે, અને ધ્યેય સુધી પહોંચે પણ ખરી. કાચીપોચી વ્યક્તિ તો જે રસ્તે જવાનો વિચાર કરે તોપણ થથરી જાય, બે-ચાર ડગલાં ચાલીને હારીને થાકી જાય.. પણ જોરાવરસિંહ જેનું નામ, તેમણે દાયકાઓથી આવા રસ્તે સફર કરી હતી.
જોરાવરસિંહજી (Joravarsinh Jadav) દેખાવે અત્યંત સૌમ્ય. તેમના સોહામણા દીકરા નરેન્દ્રને ટીવી ઉપર જોઈએ એટલે અંદાજ બાંધી શકાય કે તેઓ જુવાનીમાં કેવા દેખાવડા લાગતા હશે. તેમને સાંભળીએ એટલે તેમના આ વ્યક્તિની સૌમ્યતા બેવડાતી લાગે, પણ તેમણે જે કામ માટે ભેખ લીધો હતો તેને નજીકથી જોઈએ તો આપણને જરૂર એમ લાગે કે તેમણે પોતાનું નામ સાર્થક કરી હતું. શું હતું એ કામ? એ કામ હતું લોકકલાને જીવંત રાખવાનું.... કામ હતું લોક-કલાકારોના હાંફતા અને ધીમા પડતા જતા શ્વાસને ઓક્સિજન આપવાનું.... એ કામ હતું લોક-કલાકારોને જીવંત રાખવાનું.... એ કામ હતું ધૂળમાં રમતા, ખૂણામાં રહી ગયેલા, ખોવાઈ ગયેલા, ટેલિવિઝન, ફિલ્મ અને અન્ય રાક્ષસી પ્રચંડ સમૂહ માધ્યમો સામે ઓશિયાળા થઈ જતાં કલાકારોને ટટ્ટાર ઊભા કરવાનું.... સામા પ્રવાહે તરવા જેવું હતું આ કામ, રાબેતા મુજબનાં કામ જો હર કોઈ કરે, અગાઉથી ચાલતું હોય તેવું કરવાનું દરેકને ગમે, જે અનુકૂળ હોય તે કરવાનું બધા પસંદ કરે.... કારણ કે આ બધામાં સલામતી છે, ફળ મળશે જ તેની ખાતરી છે, તેમાં જોખમ આછું છે, પણ ગુજરાતના લોકકલાવિદ્ જોરાવરસિંહ સાવ જુદા જ રસ્તે ચાલ્યા હતા.
આ લેખ એમનાં વખાણ કરવા માટે નથી લખાઈ રહ્યો. એની કોઈ જરૂર પણ નથી. મૂળ વાત એટલી છે કે જે લોકો સમાજ માટે પ્રતિબદ્ધતાથી કોઈ નક્કર કામ કરી રહ્યા હોય તો તેની આપણે નોંધ લેવી જ જોઈએ. આમ છતાં આપને અમારી આ વાતમાં દમ ન લાગતો હોય, આ રહ્યાં જોરાવરસિંહ જાદવના ગુણ ગાવાનાં થોડાંક નક્કર તથ્ય
ટેલિવિઝન ઈન; લોકકલા આઉટ:
આપણે ત્યાં ટેલિવિઝન મેડમ અને પછી રાજકુમાર મોબાઈલ ફોન આવ્યા પછી બધાની બોલતી બંધ થઈ ગઈ છે. બાળક, યુવાન, ગૃહિણી, વૃદ્ધ - આ બધાં પર આ મેડમે એવા કામણ કર્યાં છે કોઈને તેના વિના ચાલતું જ નથી. હવે દાદા ખુદ ટેલિવિઝનના શરણે ગયા છે અને તેમની દાદાગીરી અને વાર્તાગીરી વીસરાઈ ગયાં છે. માત્ર, ટેલિવિઝન જ નહીં, તેમના નજીકનાં સગાં જેવા મોબાઈલ ફોન, તેમની માસીની દીકરી જેવી ફિલ્મો, તેમના પિતરાઈ જેવું ઈન્ટરનેટ આ બધાંની માયાજાળમાં આપણાં લોકમાધ્યમો સાવ વિસરાઈ રહ્યાં છે.
આ બધું અત્યંત તીવ્ર ગતિથી બની રહ્યું છે. પરિવર્તનો તો અગાઉ પણ આવતાં હતાં, પણ હૌલે હૌલે આવતાં હતાં... આજે તો ઝડપથી આવતાં આ પરિવર્તનો વ્યાપક પણ હોય છે તેમની ગહન નકારાત્મક છાપ હોય છે તેવો હૌ હોય છે. આ આંધીમાં ભુલાતી જતી લોકકલાને, તેના વાહકોને આગળ વધારવાની વાત તો ભૂલી જાઓ, પણ તેમને ટકાવી રાખવાનું કામપણ સહેલું નથી.
ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના નેજા હેઠળ જોરાવરસિંહ જાદવે (Joravarsinh Jadav) તેમને ટકાવી રાખવાનું તપ આદર્યું હતું. એ રીતે તો તેઓ તપસ્વી હતા. ગુજરાત રાજ્ય સહકારી સંઘની મુખ્ય વહીવટી કામગીરી છોડીને તેઓ લોકકલાને સમર્પિત થઈ ચૂક્યા હતા. તેમણે ગુજરાતના અનેક કલાકોરોને ગામડાંઓમાંથી, નેસડાઓમાંથી, ગરીબ વસાહતોમાંથી શોધી શોધીને વિશ્વના મંચ પર આણ્યા હતા. સલામ સાહેબ, સલામ.
અનેક કાર્યક્રમોમાં અનેક કલાકારો જોરાવરસિંહ જાદવને પગે લાગીને પોતાની કારકિર્દીનો યશ જાદવ સાહેબને આપતા. અનેક કલાકારો કે જેમણે ભાગ્યે જ પોતાનું ગામ જિંદગીમાં છોડ્યું હોય તેમને તેઓ પરદેશ લઈ ગયા હોય. તેમને સતત એક જ ચિંતા આ કલાકારોનું શું થશે? સ્થિતિ એવી કે કલાકારોને પોતાની કલા સિવાય બીજું કશું આવડે પણ નહિ.... તેઓ લુપ્ત થતી કલાને, મૃત્યુ ભણી જતા કલાકારોને બચાવવા સતત રસ્તાઓ શોધ્યા કરતા. અમદાવાદની વિશાલા હોટલમાં જઈ તેના માલિક સુરેન્દ્રભાઈ પટેલને કહેતા આપની હોટલમાં થોડા કલાકારો રાખો, તેમને રોજગારી મળશે અને શહેરના લોકોને મનોરંજન. મોટી શોભાયાત્રામાં કલાકારોને સામેલ કરાવતા, મંદિરોમાં નોબત શરણાઈવાદન શરૂ કરાવે, શ્રેષ્ઠીઓના લગ્ન પ્રસંગમાં ને વરઘોડામાં મોકલે. તેમનું મન સતત એ જ વિચારતું રહેતું કે કઈ રીતે મારાં કલાકારોને રોજગારી મળે, તેઓ પોતાની કલા પ્રદર્શિત કરીને આર્થિક ઉપાર્જન કરી શકે અને કાઠા સમયમાં પોતાનું જીવન સરળ રીતે વ્યતિત કરી શકે તેમાં સહયોગી થઈ શકું !
યશ સંશોધક, યશ કર્મશીલ, યશ સાહિત્યકાર:
જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav) એકસાથે ઘણી ભૂમિકા અદા કરતા હતા. તેઓ હાડોહાડ કર્મશીલ હતા. જો તેમણે ધાર્યું હોત તો તેઓ એક ઓરડામાં બેસીને માત્ર લખતા રહી શક્યા હોત અને તેમનાં પુસ્તકોની સંખ્યા દર વર્ષે નહિ, દર મહિને કૂદકે ને ભૂસકે વધતી હોત, પણ તેઓ કર્મના પણ માણસ હતા. તેઓ સતત ફરતા, ગુજરાતમાં ગામેગામ સરળતાથી ફરી શકાય તે માટે શરીરને પણ નિયંત્રણમાં રાખતા. ઉંમરનો થાક ન તો તેમના ચહેરા પર દેખાય કે ન વધતી ઉંમર તેમના ઉત્સાહ અને કાર્યને અવરોધતી.
કોઈ એ કાર્યક્રમનું આયોજન કરવું એટલે મહિનાઓ સુધી મથવું પડે. જાતભાતનાં ટેન્શન. જાકે જોરાવરસિંહ બધે પહોંચી વળતા, તેઓ જે સહજતાથી બે-ચાર ગ્રુપવાળો કાર્યક્રમ કરતા તે જ સરળતાથી ૮૦૦ કે ૧૦૦૦ કલાકારોવાળા કાર્યક્રમનું પણ આયોજન કરી શકતા. સતત દોડતા હોય. એક જ કારણ... પોતાના કલાકારોનો આ અવસર હોય!
તેમણે બે હજારથી પણ વધુ ચીંથરે વીંટ્યા રતન જેવા લોકલાકારોને શોધ્યા હતા. તેમની સંસ્થા સાથે વિવિધ રાજ્યોના પાંચ હજારથી પણ વધુ લોકકલાકારો સંકળાયેલા હતા. જોરાવરસિંહ જાદવે સ્થાપેલું ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ગુજરાત અને ભારતવર્ષની લોકકલાઓની સાચી ઓળખ ધરાવે છે. તેમણે ૩૦મી મે, ૧૯૭૯માં ગુજરાત લોકકલા કેન્દ્રની સ્થાપના કરી હતી. એ પછી ૧૯૯૩માં તે બન્યું ગુજરાત લોકકલા ફાઉન્ડેશન. તેઓ સાચા સંયોજક હતા. તેમનાં લોકકલાનાં અનેક પુસ્તકો વાચકોએ વખાણ્યાં છે, વિવેચકોએ પણ તેમનાં લોકકલામાં પુસ્તકોને પૂરા ગુણ આપ્યા છે. તેમનાં ઘણાં પુસ્તકો શાળા અને યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તકો તરીકે ભણાવાય છે.
ચમત્કાર ભાઈ ચમત્કાર : શહેરોના લોકો વધાવે છે લોકકલાકારોને!
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેટલીક બાબતો ખાતરીબંધ હોય જ ! એક તો કાર્યક્રમ ગુણવત્તાવાળો હોય, લોકકલાના નામે જેવા તેવા કલાકારો સ્ટેજ પર ચઢી ગયા હોય તેવું કદીએ ન બને ! સોળ વલ્લા સોના જેવા સાચુકલા કલાકારો જ હોય, બીજી વાત, પ્રેક્ષકો અધધધ હોય... હા, ભાઈ હા, શહેરોમાં રહેતા લોકો, હિન્દી ફિલ્મો છોડીને, સાસુ વહુની સિરિયલોને જતી કરીને લોકકલાના કાર્યક્રમો જોવા આવે હથેળીઓ દુખી જાય ત્યાં સુધી તાળીઓ પાડે. સામાન્ય છાપ તો એવી છે કે ગુજરાતઓ લોકકલા માટે ભાગ્યે જ પૈસા આપે. તમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જાઓ તો આ છાપ તરત જ ભૂંસાઈ જાય. અહીં ચાલુ કાર્યક્રમે પ્રેક્ષકો લાખો રૂપિયાનાં અનુદાન આપે છે.
અમદાવાદમાં એક ક્લબ છે : કર્ણાવતી ક્લબ. આ ક્લબમાં મોરારિબાપુની રામકથા પણ થઈ હતી. જોરાવરસિંહ જાદવે ક્લબની હૂંફથી રાસ, ગરબા અને લોકકલાની કૃતિઓની એવી સ્પર્ધા કરાવી હતી કે રાસગરબા અને લોકનૃત્ય માટે તેનું પ્રથમ ઈનામ રહેતું દરેક વિભાગ માટે એક લાખ રૂપિયા. હા, લખવામાં કોઈ ભૂલ થઈ નથી. લોકકલાની આ સ્પર્ધામાં રાસ, ગરબા, અને લોકનૃત્ય દરેક માટે એક એક લાખ રૂપિયા ઈનામ હોય એવું કલાવિશ્વના ઈતિહાસમાં કદાચ પ્રથમ બન્યું હતું. કાં તો આને પરાક્રમ કહો અને કાં તો ગણો ચમત્કાર ! પણ, એને તમે ખતવો જારવરસિંહ જાદવ (Joravarsinh Jadav)ની જમા બાજુમાં !
ગુજરાતની સરહદો તૂટે છે....
જ્યારે જ્યારે આતંકવાદ કે પાકિસ્તાનની કોઈ હરકત થાય છે ત્યારે ગુજરાતની સરહદની ચિંતા થાય છે, થવી જાઈએ. જાકે જોરાવરસિંહ જાદવે પોતાની લોકકલાની પ્રવૃત્તિઓમાં ગુજરાતની સરહદ ઓળંગી છે. હવે તેમના દ્વારા કાર્યક્રમો કે ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારો અપાય છે તે ગુજરાત બહારના કલાકારોને પણ અપાય છે. તેમની આ ઉદારતાને સલામ. કલાને સરહદો હોતી નથી. તે તેમણે સાબિત કર્યું છે.
આ છે દાયિત્વ: દિવ્યાંગો તરફ નજર કરી....
જોરાવરસિંહ જાદવે છેલ્લાં થોડાં વર્ષોથી વિકલાંગ કલાકારોને પુરસ્કૃત કરવાનું શરૂ કર્યું હતું. તેમનો આ અભિગમ પ્રશંસનીય હતો. જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav)ની સામાજિક પ્રતિબદ્ધતા જાઈને આનંદ થાય. ભૌતિકવાદના આ સમયકાળમાં આવો જણ જડવો અઘરો છે. એક વાતનું દુઃખ પણ થાય કે હવે તેમનું નિધન થયું છે, હવે પછી આ હજારો કલાકારોની ચિંતા કરશે કોણ?
(શબ્દાંકન - રમેશ તન્ના)


