આદર્શ રીતે ડિનર પછીના ૩ કલાક પછી સૂવું જોઈએ અને આ ૩ કલાકમાં કંઈ જ ખાવું જોઈએ નહીં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આખો દિવસ વ્યવસ્થિત ન જમનારા લોકોને રાત્રે શાંતિથી ઘરે બેઠા હોય ત્યારે સ્નૅકિંગ કરવામાં આનંદ આવતો હોય છે. આ એક રીત છે ડીસ્ટ્રેસ થવાની કે આખો દિવસ જે સ્ટ્રેસફુલ લાઇફ જીવ્યા હોઈએ એમાંથી બહાર નીકળવાની. ઘણા લોકો માટે એટલે જ રાત્રે જાગવું અને એની સાથે ખાવું જરૂરી બની જતું હોય છે, કારણ કે આ એ સમય છે જે તે પોતાની જાતને આપે છે. જોકે હકીકત એ જ છે કે આ આદત અનહેલ્ધી છે.
રાત્રે જે લોકો જાગે છે એ લોકોને કાં તો ભૂખ લાગે છે એટલે અને કાં તો ક્રેવિંગ થાય છે એટલે તે લોકો રાત્રે સ્નૅકિંગ કરતા હોય છે. મોડી રાત્રે કોઈ સૂપ-સૅલડ તો ખાતું નથી. મોડી રાત્રે લોકો જે વસ્તુ ખાય છે એ હંમેશાં અનહેલ્ધી જ હોવાની. ફ્રાઇડ સ્નૅક્સ નહીં તો રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-મેક પ્રકારની વસ્તુઓ જ મોડી રાત્રે લોકો ખાતા હોય છે જે આપણે જાણીએ જ છીએ કે અનહેલ્ધી છે.
ADVERTISEMENT
બીજું એ કે આમ પણ તમે સમય પર સૂતા નથી. મોડું થઈ ગયું છે અને એમાં તમે આ પ્રકારનો વધુ કૅલરીયુક્ત ખોરાક ખાઓ તો તમને સારી ઊંઘ આવવાની નથી જ. ઊંઘ બગડે એટલે બીજા દિવસે તમે ફ્રેશ ઊઠો નહીં. ઊંઘને અને માનસિક ક્ષમતાને સીધો સંબંધ છે. એનાથી જ મેમરી, જાગ્રતતા, ફોકસ, શીખવાની આવડત, અલર્ટનેસ બધા પર જ અસર પહોંચે છે.
આદર્શ રીતે ડિનર પછીના ૩ કલાક પછી સૂવું જોઈએ અને આ ૩ કલાકમાં કંઈ જ ખાવું જોઈએ નહીં. રાત્રે ખાવાની આદતથી પાચનક્રિયાને સૌથી મોટું નુકસાન થાય છે. એનાથી પાચનક્રિયા મંદ પડે છે તથા ઍસિડિટી, ગૅસ અને અપચાની તકલીફ શરૂ થઈ જાય છે. રાત્રે કંઈ પણ ખાવાની આદતથી વ્યક્તિમાં ચરબી વધે છે જેને કારણે મેટાબૉલિક ડિસઑર્ડર જેમ કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રૉબ્લેમ્સનું રિસ્ક ઘણું વધી જાય છે. એટલું જ નહીં, આવી વ્યક્તિઓની રોગ-પ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે.
જ્યારે તમે મોડી રાત્રે જાગતા હો તો સાવ ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. દૂધ, ડ્રાયફ્રૂટ્સ કે લો કૅલરી વસ્તુઓ જેમ કે ગ્રીન ટી, સૂપ જેવું કંઈક લઈ શકાય. મહત્ત્વનું એ છે કે તમે વહેલા સૂવાની આદત રાખો. જો તમે મોડે સુધી જાગતા હો તો ભૂખ્યા રહેવું જોઈએ નહીં. ધીમે-ધીમે એ આદત પાડો. ડિનર હંમેશાં સમય પર અને વ્યવસ્થિત ખાઓ. જો ડિનરમાં ભેળ-પાણીપૂરી ખાધી હશે તો ૧૨ વાગ્યા સુધીમાં ભૂખ લાગવાની જ છે. ધીમે-ધીમે આદત બદલો, કારણ કે આ આદત બદલવી જરૂરી છે.


