તેમનાં લગ્ન ૨૦૨૨માં થયાં હતાં અને શ્રીકાંતનું કહેવું છે કે તેણે એક પણ દિવસ પત્ની સાથે શાંતિથી વિતાવ્યો નથી
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં શ્રીકાંત નામના સૉફ્ટવેર એન્જિનિયરે પત્નીની વિરુદ્ધ વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. પતિએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં પતિ સાથે સંબંધ બનાવવા માટે પત્ની રોજ ૫૦૦૦ રૂપિયાની ડિમાન્ડ કરતી સંભળાય છે. શ્રીકાંતનું કહેવું છે કે બાળકના મુદ્દે તેમની સાથે મચમચ શરૂ થયેલી. પોતાનું ફિગર બગડી ન જાય એ માટે પત્નીએ બાળકને પણ જન્મ આપવાની ના પાડી દીધી. એને બદલે બાળક દત્તક લેવાના મુદ્દે તેમની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. તેમનાં લગ્ન ૨૦૨૨માં થયાં હતાં અને શ્રીકાંતનું કહેવું છે કે તેણે એક પણ દિવસ પત્ની સાથે શાંતિથી વિતાવ્યો નથી. શ્રીકાંતનું કહેવું છે કે જ્યારે તે ઘરેથી કામ કરતો હોય અને તેનો વિડિયો કૉલ ચાલતો હોય ત્યારે પત્ની જાણીબૂજીને પાછળ આવીને ડાન્સ કરે છે અને જોરજોરથી મ્યુઝિક વગાડે છે જેને કારણે તેની ઑફિસના કામ પર પણ ખરાબ અસર પડે છે. પત્નીથી પરેશાન થઈને જ્યારે તેણે છૂટાછેડા લેવાની વાત કરી તો તેણે ૪૫ લાખ રૂપિયા માગ્યા. પત્ની તેને મારે છે એટલું જ નહીં, અવારનવાર આત્મહત્યા કરવાની ધમકી આપીને બ્લૅકમેઇલ કરતી હોવાનો આરોપ પણ પતિએ લગાવ્યો છે. તેની પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ તમામ આરોપો ખોટા હોવાનું કહ્યું હતું.

