પૅસેન્જર ભરેલી ટ્રેન ઊભી રાખીને લોકો પાઇલટ જતો રહ્યો, કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
બિહારના કિશનગંજ જિલ્લામાં એક અજીબ ઘટના સામે આવી છે. એક લોકો પાઇલટ ટ્રેનને ઊભી રાખીને ડ્યુટી છોડીને જતો રહ્યો હતો. બુધવારે પશ્ચિમ બંગાળના માલદાથી સિલિગુડી જઈ રહેલી ટ્રેન ઠાકુરગંજ રેલવે-સ્ટેશન પર પહોંચી હતી. જોકે ટ્રેનના લોકો પાઇલટે એ પછી ગાડી ત્યાં જ ઊભી રાખી દીધી અને કહ્યું કે તેની ૯ કલાકની ડ્યુટી પૂરી થઈ ગઈ છે. પૅસેન્જરોએ ૩ કલાક સુધી રાહ જોઈ કે ગાડી કેમ આગળ નથી વધી રહી? માલદાથી સવારે ૬.૩૫ વાગ્યે ઊપડતી ટ્રેન ઠાકુરગંજ રેલવે-સ્ટેશન પર ૧૧.૫૫ વાગ્યે પહોંચતી હોય છે, પરંતુ ટ્રેન લગભગ ૩ કલાક મોડી પહોંચી હતી. એ દરમ્યાન ટ્રેનના લોકો પાઇલટની ૯ કલાકની ડ્યુટી પૂરી થઈ ગઈ હતી એટલે તેણે ટ્રેન ચલાવવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે ૯ કલાકની ડ્યુટી પછી થાકી ગયો છું અને પૅસેન્જરોની સુરક્ષા માટે એ ઠીક નથી. આખરે બીજા લોકો પાઇલટને બોલાવવામાં આવ્યો અને લગભગ ૨.૫૨ વાગ્યે ટ્રેન રવાના થઈ. ૩ કલાક સુધી એ પ્લૅટફૉર્મ પણ રોકાયેલી રહેતાં ટ્રેન-મૅનેજમેન્ટ પણ ખોરંભે ચડી ગયું હતું.
