ડૉક્ટરોનું માનવું છે કે કદાચ રસ્તામાં ઊગેલાં ઝાડીઝાંખરાંમાંથી એણે બીજા કોઈ છોડની સાથે ગાંજાનાં પાંદડાં પણ ખાઈ લીધાં હશે.
ગાંજાનો નશો એવો ચડ્યો કે કૂતરો ૪૦૦૦ ફુટ ઊંચો પહાડ ચડીને ઢળી પડ્યો
સ્કૉટલૅન્ડમાં ટોક્યો નામનો પાંચ વર્ષનો બ્લૅક લૅબ્રડૉર તેની માલિકણ સાથે ટ્રેકિંગ કરવા ગયો હતો. થોડેક ઊંચે ચડ્યા પછી અચાનક જ ટોક્યો ખૂબ જ એનર્જેટિક થઈ ગયો હોય એવું લાગ્યું. એ એટલી ઝટપટ ગતિએ પહાડ ચડવા લાગ્યો કે એની ઓનર ક્રિસ્ટિના બ્લુહૅમને ચિંતા થવા લાગી. જોકે આ તરવરાટ બહુ લાંબો ન ચાલ્યો. પહાડની ટોચ પર લગભગ પહોંચવાનાં જ હતાં ત્યાં અચાનક ટોક્યોના પગ લથડવા લાગ્યા અને થોડી વારમાં તો એ બેહોશ થઈને પડી ગયો. ક્રિસ્ટિનાએ તાત્કાલિક રેસ્ક્યુ-ટીમની મદદ લઈને સ્ટ્રેચર પર સુવડાવીને ટોક્યોને નીચે ઉતાર્યો હતો. જ્યારે નીચે આવીને તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એના લોહીમાં ગાંજાના અવશેષો છે. એના મોંમાંથી પણ ગાંજાની તીવ્ર ગંધ આવતી જોવા મળી. ડૉક્ટરોનું માનવું છે કે કદાચ રસ્તામાં ઊગેલાં ઝાડીઝાંખરાંમાંથી એણે બીજા કોઈ છોડની સાથે ગાંજાનાં પાંદડાં પણ ખાઈ લીધાં હશે.
