લગ્ન કર્યા વિના જો કોઈ યુગલે સાથે રહેવું હોય તો મહિને ૬૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે
પ્રતીકાત્મક તસવીર
ચીનના યુનાન પ્રાંતના લિન્કાન્ગ નામના ગામમાં અજીબોગરીબ નિયમ તાજેતરમાં બનાવવામાં આવ્યા છે. સભ્યતા અને સંસ્કૃતિના નામે ગામના મુખિયાઓએ એવા નિયમ બહાર પાડ્યા છે જેનો સોશ્યલ મીડિયા પર વિરોધ થવા લાગ્યો છે. લગ્ન વિના જો કોઈ યુવતી પ્રેગ્નન્ટ થઈ જાય તો તેણે ૩૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે એટલું જ નહીં, લગ્ન કર્યાના દસ મહિનામાં જ બાળક જન્મે તો તેમણે પણ ૩૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. લગ્ન કર્યા વિના જો કોઈ યુગલે સાથે રહેવું હોય તો મહિને ૬૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કોઈ પોતાના રાજ્યની બહાર લગ્ન કરે તો તેને પણ વનટાઇમ ૧૮,૦૦૦ રૂપિયાનો દંડ થશે. પતિ-પત્નીના ઝઘડાને શાંત પાડવા માટે જો ગામના અધિકારીઓએ મધ્યસ્થી કરવી પડે તો બન્નેએ ૬-૬ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. ગામમાં કોઈ ગૉસિપ કે અફવા ફેલાવશે તો તેને પણ ૬થી ૧૨ હજાર રૂપિયાનો દંડ થશે. આ નિયમાવલિ જોઈને ગામલોકોએ તો વિરોધ કર્યો જ છે, પણ સોશ્યલ મીડિયા પર પણ એની ખૂબ ટીકા થઈ રહી છે. આ સંસ્કારના નામે પૈસાની ઉઘરાણી કરવાનો ફન્ડા હોય એવું લોકોને લાગી રહ્યું છે.


