ચીનની એક મહિલાએ માત્ર વજન ઘટાડવા માટે ઉંદર ખાધા હોવાનો દાવો કર્યો છે
૨૫ વર્ષની ઝાઓ નામની બહેને સર્વાઇવલ ચૅલેન્જમાં ભાગ લીધો હતો
ચીનની એક મહિલાએ માત્ર વજન ઘટાડવા માટે ઉંદર ખાધા હોવાનો દાવો કર્યો છે. આમ તો ચીનીઓ કંઈ પણ ખાઈ શકે એટલે નવાઈ ન કહેવાય, પરંતુ ઉંદર ખાઈને વજન કઈ રીતે ઘટે એ આશ્ચર્યનો વિષય છે. જોકે જરાક ખણખોદ કરતાં જાણવા મળ્યું હતું કે બહેને પાતળાં થવા માટે નહીં, પરંતુ સર્વાઇવલ માટે એટલે કે જીવન ટકાવવા માટે ઉંદર ખાધા હતા. વાત એમ છે કે ૨૫ વર્ષની ઝાઓ નામની બહેને સર્વાઇવલ ચૅલેન્જમાં ભાગ લીધો હતો. એમાં કોઈની મદદ લીધા વિના જંગલમાં એકલા રહેવાનું હતું. પહેલી ઑક્ટોબરે શરૂ થયેલી આ ચૅલેન્જ ઝેજિયાંગ પ્રાંતના એક ટાપુ પર શરૂ થઈ હતી. આ ટાપુ પર જે વ્યક્તિ સૌથી વધુ દિવસ ટકી શકે તેને વિજેતા ગણવાની હતી. તાજેતરમાં પાંચમી નવેમ્બરે ઝાઓબહેન જંગલમાંથી ત્રીજા નંબરે જીત મેળવીને પાછાં આવ્યાં હતાં. તે જંગલમાં ૩૫ દિવસ રહી અને એ દરમ્યાન તેણે જીવનમાં કદી ન જોઈ હોય એવી હાલાકી સહન કરી હતી. ૪૦ ડિગ્રીનો આકરો તાપ સહન કર્યો. પગે છાલા પડી ગયા હતા અને હાથમાં પણ જ્યાં-ત્યાં ઘસરકા પડ્યા હતા. સનબર્નને કારણે ઝાઓબહેન કાળાંકૂબડાં થઈ ગયાં હતાં. જોકે એના બદલામાં તેમને ૮૫,૦૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જીવિત રહેવા માટે ઝાઓએ ઉંદર પકડીને તાપણામાં પકાવીને ખાધા હતા. ૩૦ દિવસમાં ૫૦ ઉંદરડા રાંધીને ખાઈ ગયેલાં આ બહેનનું કહેવું છે કે બીજું કંઈ ખાવા માટે મળ્યું નહીં એને કારણે મારું ૧૪ કિલો વજન ઘટી ગયું હતું.


