ભલે શિવમનું નામ મૃત્યુ પામનારાઓની યાદીમાં આવી ગયું, પરંતુ ઘટનાનાં લગભગ ૯ વર્ષ પછી તે મહારાષ્ટ્રના સંભાજીનગરમાં જીવતો મળી આવ્યો હતો
શિવમ
૨૦૧૩માં કેદારનાથમાં આવેલા પૂરમાં હજારો લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ગુમ થઈ ગયા હતા. શિવમ નામનો એક પુરુષ ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની ખૂબ શોધખોળ કરી હતી, પણ બે-ત્રણ મહિના સુધી કોઈ સગડ ન મળતાં તેને મૃત્યુ પામેલો માનીને પરિવારજનોએ તેના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. ભલે શિવમનું નામ મૃત્યુ પામનારાઓની યાદીમાં આવી ગયું, પરંતુ ઘટનાનાં લગભગ ૯ વર્ષ પછી તે મહારાષ્ટ્રના સંભાજીનગરમાં જીવતો મળી આવ્યો હતો. ૨૦૨૧માં સંભાજીનગરમાં એક મંદિરમાં ચોરી થઈ ત્યારે એક શંકાસ્પદ માણસને પકડવામાં આવ્યો હતો. કેટલાક લૂંટારાઓએ ચોરી કરી હતી, પરંતુ મંદિરમાં કામ કરતા અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની આ ચોરીમાં સંડોવણી છે એવું માની લેવામાં આવ્યું. આ મામલે જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેને પોતાના નામ સિવાયની બીજી કોઈ વાત યાદ નહોતી. ડૉક્ટરોએ તેને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીનું નિદાન કરતાં કોર્ટે તેને પુણેની રીજનલ મેન્ટલ હૉસ્પિટલમાં ભરતી કરવાનો આદેશ આપ્યો હતો. આ હૉસ્પિટલને ઉત્તરાખંડની સરકારી મેન્ટલ હૉસ્પિટલમાં શિવમની સ્કૂલને લગતી નાનકડી માહિતી મળી હતી. એ સગડના આધારે હૉસ્પિટલે ઉત્તરાખંડમાં તેના પરિવારને ખોળી કાઢ્યો હતો. ગયા મહિને પંચાવન વર્ષની ઉંમરે શિવમ તેના પરિવારને પાછો મળ્યો હતો.


