ઉત્તરાખંડના દેહરાદૂનમાં બે વર્ષનો નર બકરો દૂધ આપતો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ દુર્લભ હોર્મોનલ અસંતુલનને કારણે બની શકે છે.
ઉત્તરાખંડમાં બે વર્ષનો બકરો દૂધ આપે છે
દૂધ આપવાનું કામ માદા પ્રાણીઓનું હોય છે, પરંતુ ઉત્તરાખંડના દેહરાદૂનમાં બે વર્ષનો એક બકરો દૂધ આપી રહ્યો છે. બોરા નામના આ બકરાનો માલિક સુખપાલ પણ આ વાતથી દંગ છે. તેણે જ્યારે પહેલી વાર બકરાનાં આંચળો ફૂલેલાં જોયાં ત્યારે તેને પણ નવાઈ લાગી હતી. જોકે એ પછી તો એમાંથી દૂધ પણ ટપકવા લાગ્યું. આંચળને દોહવાથી એમાંથી કોઈ બકરી દૂધ આપે એટલી માત્રામાં દૂધ નીકળતું હતું. આ બહુ દુર્લભ કન્ડિશન છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે નર પ્રાણીઓમાં એસ્ટ્રોજન અને પ્રોલૅક્ટિન જેવાં માદા હૉર્મોન્સનું પ્રમાણ વધી જાય ત્યારે આવું થઈ શકે છે. જોકે બોરાના આંચળમાંથી જે માત્રામાં દૂધ નીકળી રહ્યું છે એ મેડિકલ વિજ્ઞાન માટે પણ નવાઈ પમાડનારું છે. સ્થાનિકોમાં આ બકરો આજકાલ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
