પંજાબમાં એક કળિયુગી પિતાએ પોતાની જ ૧૮ વર્ષની જુવાનજોધ દીકરીને મારી નાખી હતી. દીકરીને મારી નાખી એનું કારણ એ હતું કે તે ખૂબ હોશિયાર હતી - ભણવામાં પણ અને અન્ય રમતોમાં પણ.
ભણવા માગતી દીકરીને બાપે જ મારી નાખી
પંજાબમાં એક કળિયુગી પિતાએ પોતાની જ ૧૮ વર્ષની જુવાનજોધ દીકરીને મારી નાખી હતી. દીકરીને મારી નાખી એનું કારણ એ હતું કે તે ખૂબ હોશિયાર હતી - ભણવામાં પણ અને અન્ય રમતોમાં પણ. મિઢ્ઢા ગામમાં રહેતી ચમનપ્રીત કૌર કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કરવા માટે મોહાલીમાં રહીને ભણતી હતી. તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને સાથે વેઇટલિફ્ટિંગમાં રસ હોવાથી એની તાલીમ પણ લેતી હતી. પોતાની કૉલેજમાં તે વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયન હતી અને આ રમત માટે નૅશનલ લેવલે જવાની તૈયારી કરી રહી હતી. જોકે પિતા હરપાલ સિંહ જૂની વિચારસરણી ધરાવતા હોવાથી તેમને ડર હતો કે છોકરીને વધુ ભણાવવાથી તે બગડી જશે. જોકે દીકરીની મા તેને વધુ ભણાવવા માગતી હતી. ભણવા માટે ચમનપ્રીતે શહેરમાં રહેવું પડતું હતું એ પણ પિતાને કઠતું હતું અને આ બાબતે વારંવાર ઘરમાં ઝઘડા થતા હતા. તેમણે થોડા દિવસ પહેલાં ઘરે આવેલી દીકરીને રવિવારની સવારે માળીકામ કરવાના હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ચમનપ્રીત કૌરની માએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી અને પોલીસે પિતાને પકડી લીધો ત્યારે પિતાએ ફરીથી દોહરાવ્યું હતું કે જો વધુ ભણવા દીધી હોત તો દીકરી બગડી જાત એટલે મેં તેને મારી નાખી.


