ઝારખંડના રામગઢ જિલ્લામાં પહેલી વાર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સ્પેશ્યલ પબ્લિક ટૉઇલેટ્સ ખોલવામાં આવ્યાં છે
ટૉઇલેટ
ઝારખંડના રામગઢ જિલ્લામાં પહેલી વાર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સ્પેશ્યલ પબ્લિક ટૉઇલેટ્સ ખોલવામાં આવ્યાં છે. ભારતમાં હજી પણ સ્ત્રી-પુરુષ સિવાય કોઈ ત્રીજી જાતિ હોય એ વાતનો જાહેર સ્વીકાર કરવામાં ખચકાટ અનુભવાય છે. એવામાં ટ્રાન્સજેન્ડર્સને જાહેર સ્થળોએ કાં તો સ્ત્રીઓ કાં તો પુરુષોના ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે. જાહેરમાં અસહજતા અને ભેદભાવથી રાહત મળે એ માટે ઝારખંડમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અહીં રામગઢ જિલ્લાના ત્રણ અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં ખાસ ટ્રાન્સજેન્ડર્સ માટે ટૉઇલેટ્સ બનાવાયાં છે. એક છે બસ-સ્ટૅન્ડ પર અને બીજું સિવિલ હૉસ્પિટલ પરિસર તથા ત્રીજું જિલ્લા કલેક્ટર કાર્યાલય પાસે. આ શૌચાલયોમાં દિવ્યાંગોની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એની દેખભાળ કરવાની જવાબદારી સુલભ ઇન્ટરનૅશનલને સોંપવામાં આવી છે. ગયા વર્ષે ૨૦૨૫માં રાંચીમાં ટ્રાન્સજેન્ડર સમુદાયે અલગ શૌચાલય, શિક્ષા, રોજગાર અને સ્વાસ્થ્ય સુવિધાઓની માગણી કરી હતી.
