એપિડોલૉજી નામના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ આ મધમાખીઓ ‘એન્ડ્રેના રેગ્યુલેરિસ’ પ્રજાતિની છે
પ્રતીકાત્મક તસવીર
શું તમે ક્યારેય કલ્પના કરી શકો કે એક શાંત અને સૂમસામ કબ્રસ્તાનની જમીન નીચે લાખો જીવોનું સામ્રાજ્ય ધમધમી રહ્યું હોય? હૉલીવુડની કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવી લાગતી આ ઘટના અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં હકીકત સાબિત થઈ છે. ન્યુ યૉર્કના ઇથાકા શહેરમાં આવેલા એક કબ્રસ્તાનમાં વૈજ્ઞાનિકોને અંદાજે પંચાવન લાખ માઇનિંગ મધમાખીઓની એક વિશાળ કૉલોની મળી આવી છે જે છેલ્લાં ૧૦૦ વર્ષથી ત્યાં ગુપ્ત રીતે વસવાટ કરી રહી છે.
એપિડોલૉજી નામના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ આ મધમાખીઓ ‘એન્ડ્રેના રેગ્યુલેરિસ’ પ્રજાતિની છે. આ મધમાખીઓ ૧૯૦૦ સાલની શરૂઆતથી એટલે કે લગભગ એક સદીથી આ જગ્યાએ કોઈ પણ પ્રકારની અડચણ વિના રહેતી હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
આ આખી શોધ પાછળ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો જોડાયેલો છે. કૉર્નેલ યુનિવર્સિટીની એક લૅબ ટેક્નિશિયન એક વાર કારપાર્કિંગના પૈસા બચાવવા માટે આ કબ્રસ્તાનના રસ્તેથી પગપાળા જઈ રહી હતી. ચાલતી વખતે તેનું ધ્યાન જમીન પર બણબણી રહેલી કેટલીક અસામાન્ય મધમાખીઓ પર ગયું. તેણે આ માખીઓને પકડીને પોતાની લૅબમાં તપાસ કરી, જ્યાં આ મોટી શોધના સંકેત મળ્યા. એ પછી તો વૈજ્ઞાનિકોએ ટ્રૅપ ગોઠવીને હજારો માખીઓ પકડી. આ આંકડાના આધારે ગણતરી માંડવામાં આવી છે કે આશરે ૧.૫ એકર જેટલી જમીનની નીચે પંચાવન લાખથી વધુ મધમાખીઓ મોજૂદ હોઈ શકે છે.
