‘ક્રાઇમ પૅટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’ના ૧૫૦થી વધુ એપિસોડમાં પોલીસ-ઑફિસર તથા અનેક સિરિયલોમાં દીકરીના પિતાની ભૂમિકા ભજવનાર પ્રતીશ વોરા પોતાની ટાઇપકાસ્ટ સ્ક્રીન-ઇમેજ અને કલાકાર તરીકેની સફર વિશે ખુલ્લા દિલે વાત કરે છે
વર્તમાન સિરિયલ ઇશ્ક જુનૂનીમાં પિતાની ભૂમિકામાં પ્રતીશ વોરા
ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેઓ નામથી નહીં પણ ચહેરાથી ઘર-ઘરમાં ઓળખાય છે. અભિનેતા પ્રતીશ વોરા એમાંના એક છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’ના ૧૫૦થી વધુ એપિસોડમાં પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવી ચૂકેલા આ કલાકાર પિતાના રોલ માટે પણ એકદમ ફિટ માનવામાં આવે છે. હીરો નહીં પણ કૅરૅક્ટર રોલ દ્વારા પોતાની આગવી છાપ છોડનાર પ્રતીશભાઈ સ્ક્રીન-ઇમેજ અને બે દાયકાની સફર વિશે ખુલ્લા દિલે વાત કરે છે.
લેટેસ્ટ પ્રોજેક્ટ્સ
ADVERTISEMENT
હાલની વ્યસ્તતા વિશે વાત કરતાં પ્રતીશભાઈ કહે છે, ‘અત્યારે ડેઇલી સોપના શૂટિંગમાં વ્યસ્ત છું. દંગલ ટીવી-ચૅનલ પર રજૂ થતી ‘ઇશ્ક જુનૂની’માં દીકરીના પિતાનો રોલ કરી રહ્યો છું. આ કૅરૅક્ટર ૪ મહિના ચાલશે. સામાન્ય રીતે સિરિયલમાં દીકરી પરણી જાય પછી સ્ટોરી અલગ ટ્રૅક પર આગળ વધે. ત્યાર બાદ ‘ક્રાઇમ પૅટ્રોલ વર્ટિકલ’માં કમબૅક કરીશ. પોલીસ-ઑફિસરની ભૂમિકામાં ફરી સ્ક્રીન પર દેખાવા એક્સાઇટેડ છું. પોલીસ-ઑફિસર અને પિતાની ભૂમિકાને ન્યાય આપવાની સાથે જાહેરખબરનાં કામ પણ છે. તાજેતરમાં તાતા મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍડમાં નાના રોકાણકારોને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહન આપું છું. આમ તો હું કૅરૅક્ટર આર્ટિસ્ટ છું, પરંતુ ‘ક્રાઇમ પૅટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’ એવા શો છે જેમાં પોલીસ જ હીરો છે. પોલીસ-ઑફિસર અને પિતા બન્ને ભૂમિકા માટે હું ટીવી-ઇન્ડસ્ટ્રીમાં છપાયેલું કાટલું છું.’
સ્ક્રીન-ઇમેજ
પ્રતીશભાઈએ ‘ક્રાઇમ પૅટ્રોલ’ના ૧૫૮ એપિસોડમાં અને ‘સાવધાન ઇન્ડિયા’ના ૧૬૦ એપિસોડમાં પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવી છે. પિતા તરીકે ‘ઇશ્ક જુનૂની’ તેમની નવમી સિરિયલ છે. એકસરખી ભૂમિકા ભજવવાનો કંટાળો નથી આવતો? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મારો ચહેરો જ એવો છે કે નિર્માતાને કાં તો દયામણો લાગે છે, કાં તો ડરામણો. મને દીકરીના પિતાની ભૂમિકા ઑફર થાય છે. ભારતીય સિરિયલોમાં દીકરાના પિતાને શ્રીમંત બતાવવામાં આવે છે, જ્યારે દીકરીનો પિતા દયાળુ હોય છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ અને ‘સાવધાન ઇન્ડિયા’ના પોલીસ-ઑફિસરની બિહેવિયરમાં ફરક છે એટલે નવીનતા લાગે. આ બન્ને હિટ પ્રોજેક્ટ છે. પ્રેક્ષકોને મારો દયાળુ અને કડકાઈભર્યો ચહેરો યાદ રહી ગયો છે. જાહેર સ્થળો પર લોકો મને જોઈને પોલીસ-ઇન્સ્પેક્ટર કહીને બૂમ પાડે છે. ઘણા મને સાચો પોલીસ માની લે છે. તેમને સમજાવવું પડે કે એ મારી રીલ લાઇફ છે. હું દૃઢપણે માનું છું કે પહેલાં કામથી નામ કમાઓ, પછી નામથી કામ મળશે. પ્રેક્ષકોની નજરમાં મારી ફેસવૅલ્યુ છે. બે દાયકાથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં કામ મળવું અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવું એ જ મોટો પુરસ્કાર છે.’
રાજકોટથી મુંબઈ
૪૭ વર્ષના પ્રતીશભાઈનો જન્મ મુંબઈમાં મોસાળમાં થયો છે, જ્યારે ઉછેર અને અભ્યાસ રાજકોટમાં થયા. કૉલેજમાં નાટકો કરવાનું ગમતું. ગુરુ સુરેશ રાવલ તેમને કમર્શિયલ નાટકોમાં લઈ ગયા. એ વખતે નાટકોમાં કામ કરવાના વધુ પૈસા નહોતા મળતા એટલે નોકરી પણ ચાલુ રાખી. ૨૦૦૭માં કામની શોધમાં મુંબઈ આવ્યા. આગળની વાત કરતાં પ્રતીશભાઈ કહે છે, ‘દરેક કલાકારના જીવનમાં ચડાવઉતાર આવે છે. જોકે હું એને સંઘર્ષ નહીં, પ્રોસેસ કહીશ. સ્ટ્રગલ શબ્દને કારણે ડિપ્રેશન આવે છે. આગળ વધવાની પ્રોસેસ તરીકે જોવાથી આત્મવિશ્વાસ વધે છે. મુંબઈ આવ્યાના ચોથા દિવસે હાથમાં કામ હતું. ત્યારથી પાછા વળીને નથી જોયું. ટીવીજગતની સુપરહિટ સિરિયલ ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીના રિનોવેશન માટે બાબુભાઈ કૉન્ટ્રૅક્ટરના પાત્ર માટે મારી પસંદગી થઈ. ફર્સ્ટ શોથી દર્શકોએ મને વધાવી લીધો છે. ઝી ટીવી પર આવતી ‘અપના ટાઇમ ભી આએગા,’ અને ‘ઐસી દીવાનગી’, સ્ટાર ભારત પર આવતી ‘પ્યાર કે પાપડ’, સ્ટાર પ્લસ પર ‘દિલ કો તુમસે પ્યાર હુઆ’ અને ‘હમારી દેવરાની’માં આર્ટિસ્ટ તરીકે મારી સરાહના થઈ. ‘અપના ટાઇમ ભી આએગા’માં પહેલી વાર પિતાની ભૂમિકા નિભાવી હતી. અત્યાર સુધીમાં ૧૫ જેટલાં ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કર્યું છે. ૯ જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું જેમાં ‘ઑક્સિજન’, ‘વિજયપથ’ અને ‘મને લઈ જા’ મુખ્ય છે. ઍમૅઝૉન પ્રાઇમ પર પ્રસારિત વેબ-સિરીઝ ‘હૅપી ફૅમિલી’ અને ‘ક્રાઇમ આજકલ’માં પણ પોલીસ-ઑફિસરની ભૂમિકા કરી છે. દરેક કલાકારના જીવનમાં ૪ પડાવ હોય છે. પ્રથમ જ્યારે તમે કામ માગવા જાઓ છો, બીજો લોકો તમને ક્યાંકથી શોધી કાઢે, ત્રીજો પડાવ નિર્માતા અને દિગ્દર્શકની તમે ચૉઇસ બનો છો અને ચોથો પડાવ જ્યાં તમે સુપરસ્ટાર બની જાઓ અને સ્કાય ઇઝ ધ લિમિટ હોય. હૃતિક રોશન અભિનીત ‘વૉર 2’માં હવાલદારની નાનકડી ભૂમિકા માટે યશરાજ ફિલ્મ્સે સામેથી સંપર્ક કર્યો. અયાન મુખરજીનો ફોન આવ્યો અને કહ્યું કે મેં તમને પોલીસ-ઇન્સ્પેક્ટરના રોલમાં જોયા છે. હું કારકિર્દીના ત્રીજા પડાવ પર પહોંચી ગયો છું જ્યાં લોકો મને સ્ક્રીન પર ઓળખે છે અને ચોક્કસ ભૂમિકા માટે ફર્સ્ટ ચૉઇસ માને છે.’
પારિવારિક જીવન
મીરા રોડમાં રહેતા પ્રતીશ વોરા મુંબઈ આવ્યા એ પહેલાં ૨૦૦૩માં તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. પરિવારમાં પત્ની અને અઢી વર્ષની દીકરી છે. માતા-પિતા રાજકોટમાં રહે છે. તેમનાં પત્ની લીનાબહેન અખબારમાં કૉલમનિસ્ટ છે અને મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલાં છે. કારકિર્દીમાં ઉતાર-ચડાવની જેમ દરેક વ્યક્તિના જીવનમાં પણ એક તબક્કો આવે છે જ્યારે વ્યક્તિ હિંમત હારી બેસે છે. લગ્નજીવનનાં ૧૩ વર્ષ બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. ૨૦૧૯માં અઢી વર્ષની ઉંમરે રમતાં-રમતાં રમકડું ગળી જતાં ૪ કલાકમાં તે મૃત્યુ પામી. વોરા દંપતીએ પ્રથમ સંતાન પળવારમાં ગુમાવી દીધું. ત્યાર બાદ પાંચ વર્ષે બીજી દીકરી આવી. જોકે પ્રથમ દીકરી ગુમાવવાનો આઘાત જિંદગીભર જવાનો નથી. એ વખતે તેમની સુભાષ ઘઈની દીકરી સુઝાના ઘઈની સિરિયલ ‘પ્યાર કે પાપડ’ ચાલતી હતી. પરિવારને ટેકો આપવાની સાથે કામ ચાલતું રહે એ માટે સુઝાનાએ સ્ટાફને કહી દીધું કે શૂટિંગ માટે તેમને રોકવા-ટોકવા નહીં. પ્રોફેશનને લીધે જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી તેઓ બહાર નીકળી શક્યા.
વર્તમાન સિરિયલ : ઇશ્ક જુનૂની, દંગલ ટીવી
સુપરહિટ સિરિયલ : તારક મેહતા કા ઉલટા ચશ્મા, અપના ટાઇમ ભી આએગા, ઐસી દીવાનગી, પ્યાર કે પાપડ, હમારી દેવરાની, વાગલે કી દુનિયા
ગુજરાતી ફિલ્મો : ઑક્સિજન, વિજયપથ અને મને લઈ જા
વેબ-સિરીઝ : હૅપી ફૅમિલી અને ક્રાઇમ આજકલ
