પુરાતત્ત્વશાસ્ત્રીઓએ ઇઝરાયલના એક શહેરમાંથી ૧૫૦૦ વર્ષ જૂની વિશાળ વાઇન ફૅક્ટરી શોધી કાઢી છે.
ઇઝરાયલમાં ૧૫૦૦ વર્ષ જૂની વાઇન ફૅક્ટરી મળી
ઇઝરાયલની મધ્યમાં આવેલા યાવ્ને શહેરમાં પુરાતત્ત્વવિદોએ ઉત્ખનન હાથ ધરીને વાઇનમેકિંગનો વિશાળ સંકુલ શોધી કાઢ્યો છે, જેમાં અસંખ્ય બરણીઓ, રસ નિચોવવાનાં સાધનો, માટીનાં વાસણો તેમ જ ભઠ્ઠી મળી આવ્યાં છે. આ સંકુલ આશરે ૧૫૦૦ વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. ઇઝરાયલની એન્ટિક્વિટીઝ ઑથોરિટી દ્વારા ફેસબુક પર બે મિનિટનો વિડિયો પોસ્ટ કરીને આ સંકુલનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે. એમાં જણાવાયું છે કે આ સ્થળે બનતો વાઇન ઉચ્ચ ગુણવત્તાનો મનાતો અને ગાઝા વાઇન કે એશ્કેલન વાઇન તરીકે એ પ્રખ્યાત હતો.
પુરાતત્ત્વવિદોએ કહ્યું કે અમે પોતે આટલા વિશાળ સંકુલ મળી આવતાં આશ્ચર્યમાં મુકાઈ ગયા છીએ. અહીં વ્યાપક માત્રામાં વાઇન બનતો હતો. યંત્રો પાસે શંખ આકારના બનાવેલાં ગોખલાં વગેરે પરથી આ ફૅક્ટરીમાલિકોની સમૃદ્ધિનો પણ અંદાજ લગાવી શકાય છે. અત્યાર સુધી મળેલી બાબતો પરથી આશ્ચર્ય થયા વગર રહેતું નથી કે માણસના હાથથી જ ચાલતી આટલી મોટી ફૅક્ટરી સંચાલિત કેવી રીતે થતી હશે. હાલમાં સાંપડેલાં ઓજારો પરથી અંદાજ માંડી શકાય છે કે દર વર્ષે ઓછામાં ઓછો ૨૦ લિટર વાઇન અહીં તૈયાર થતો હશે.

