ગાયને પકડવા માટેની રસ્સીનો એક છેડો ગાયના પગે ગૂંચવાઈ ગયો અને બીજો છેડો કર્મચારીના પગે અટવાઈ ગયો હતો
ગાયને પકડવા ગયેલા મહેશ પટેલ નામના કર્મચારીની એક નાનકડી ભૂલે રોડ પર સૌના જીવ ઊંચા કરી દીધા હતા
વડોદરામાં નગરપાલિકાએ રખડુ ગાયોને પકડવાનું અભિયાન શરૂ કર્યું છે. જોકે ગાયને પકડવા ગયેલા મહેશ પટેલ નામના કર્મચારીની એક નાનકડી ભૂલે રોડ પર સૌના જીવ ઊંચા કરી દીધા હતા. ગાયને પકડવા માટેની રસ્સીનો એક છેડો ગાયના પગે ગૂંચવાઈ ગયો અને બીજો છેડો કર્મચારીના પગે અટવાઈ ગયો હતો. આ ઘટના દરમ્યાન ગાયને ભયની ધાસ્તી થતાં એ ભડકીને દોડવા લાગી. એને કારણે જેના પગે રસ્સી બંધાઈ ચૂકી હતી એ કર્મચારી રોડ પર ઢસડાયો હતો. બેકાબૂ થયેલી ગાય લગભગ અડધો કિલોમીટર સુધી દોડી હતી અને કર્મચારી પાછળ ઘસડાતો રહ્યો હતો. રોડ પરની દુકાનોમાં લાગેલા કૅમેરામાં આ ઘટના રેકૉર્ડ થઈ હતી. ગાય રોકાઈ કે તરત જ કર્મચારીના પગમાંથી રસ્સી છોડીને તેને સયાજી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

