જર્મન બ્રૉડકાસ્ટર WDR સાથેની વાતચીતમાં હનાએ કહ્યું હતું કે ‘હું એ સમયે મારા અભ્યાસ અને આર્થિક બાબતોને કારણે ભારે દબાણ હેઠળ હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જર્મનીના ગેલ્સેનકિર્ચેન શહેરમાં ચિલ્ડ્રન્સ પ્લેગ્રાઉન્ડની બેન્ચ પર બેસીને રડી રહેલી ૩૧ વર્ષની મહિલાને સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૨૫ યુરો (અંદાજે ૨૩૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. બાળક વગર પ્લેગ્રાઉન્ડમાં બેસવું એ સ્થાનિક નિયમોની વિરુદ્ધ હોવાની જાણ ન હોવાથી મહિલાએ આ દંડ ભરવો પડ્યો હતો.
હના નામની આ મહિલા માનસિક તનાવમાં હોવાથી પ્લેગ્રાઉન્ડ પાસેની બેન્ચ પર બેઠી હતી. તેણે જર્મન અખબાર BILDને જણાવ્યું હતું કે તે તેની માસી સાથે ફોન પર વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. એ જ સમયે મ્યુનિસિપલ પબ્લિક ઑર્ડરના ત્રણ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને સામે રમી રહેલાં બાળકો તેનાં છે કે કેમ એ વિશે પૂછપરછ કરી હતી. હનાએ ના પાડતાં અધિકારીઓએ તેને દંડ ભરવો પડશે એવું જણાવ્યું હતું.
ADVERTISEMENT
જર્મન બ્રૉડકાસ્ટર WDR સાથેની વાતચીતમાં હનાએ કહ્યું હતું કે ‘હું એ સમયે મારા અભ્યાસ અને આર્થિક બાબતોને કારણે ભારે દબાણ હેઠળ હતી. હું થોડો સમય એકલી રહેવા માગતી હતી જેથી કોઈ મને રડતી ન જુએ.’ ગેલ્સેનકિર્ચેન શહેરના નિયમો મુજબ પ્લેગ્રાઉન્ડ ૧૪ વર્ષ કે એથી નાની ઉંમરનાં બાળકો માટે અનામત રાખવામાં આવ્યાં છે. પુખ્ત વયના લોકોને માત્ર ત્યારે જ પ્રવેશ મળે છે જો તેઓ ત્યાં હાજર બાળકોનાં માતા-પિતા કે વાલી હોય. જોકે પ્લેગ્રાઉન્ડના નોટિસ બૉર્ડ પર આ નિયમો લખેલા હોવા છતાં એમાં બેન્ચ પર બેસવા વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.
