આવતી કાલે ગીતા માણેકની ડૉક્યુનૉવેલ રાષ્ટ્રવિધાતા સરદાર : મિશન અખંડ ભારતનો લોકાર્પણ સમારોહ.
સરદાર વલ્લભભાઈ પટેલ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના સહયોગથી પ્રતિષ્ઠિત ગુજરાતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રસિદ્ધ લેખિકા ગીતા માણેક લિખિત પુસ્તક ‘રાષ્ટ્રવિધાતા સરદાર : મિશન અખંડ ભારત’નો લોકાર્પણ સમારોહ આવતી કાલે અંધેરીસ્થિત એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ ખાતે યોજવામાં આવ્યો છે. આર.આર. શેઠ પ્રકાશન દ્વારા તેમના શતાબ્દી મહોત્સવની ઉજવણીરૂપે દર મહિને એક સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર મહિનાના કાર્યક્રમમાં મુંબઈ ખાતે લેખિકા ગીતા માણેકના પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારત આઝાદ થયું, પરંતુ આઝાદી સાથે દેશ સામે સૌથી મોટો પડકાર હતો ૫૬૫ રજવાડાંનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરવાનો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની અદ્વિતીય રાજકીય કુનેહ, દૃઢ નિશ્ચય અને સામ, દામ, દંડ, ભેદની નીતિનો ઉપયોગ કરીને આ અશક્ય લાગતું કાર્ય કેવી રીતે પાર પાડ્યું એની વિસ્તૃત અને રસપ્રદ ગાથા આ પુસ્તકમાં આલેખવામાં આવી છે. ઐતિહાસિક દસ્તાવેજો, સંદર્ભો અને સંશોધન આધારિત વિગતોને નવલકથાના સ્વરૂપમાં રજૂ કરીને લેખિકાએ ઇતિહાસને રસપ્રદ વાંચનનો અનુભવ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
પુસ્તકનું લોકાર્પણ જાણીતા અભિનેતા મનોજ જોશીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે તેઓ પુસ્તકના કેટલાક અંશોનું રસપ્રદ નાટ્યાત્મક પઠન પણ રજૂ કરશે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ પુસ્તકના કેટલાક અંશોનું નાટ્યરૂપાંતરણ હશે. જાણીતા દિગ્દર્શક મનોજ શાહના દિગ્દર્શનમાં તૈયાર થયેલું આ નાટ્યરૂપાંતરણ નવિદ કાદરી અને બિલ્વા પટેલ દ્વારા ભજવવામાં આવશે.
કાર્યક્રમનું સંચાલન જાણીતી અભિનેત્રી ભક્તિ રાઠોડ કરશે.
આ પ્રસંગે શેમારુના કેતન મારુ, નવભારત સાહિત્ય મંદિરના અશોક શાહ તેમ જ એન. એમ. ઠક્કર પ્રકાશન સંસ્થાના હેમંત ઠક્કરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સાહિત્યપ્રેમીઓ માટે આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. પ્રવેશ ‘વહેલો તે પહેલોના ધોરણે’ આપવામાં આવશે.
