ભારતમાં થયેલું જોરદાર સ્વાગત જોઈને જ્યૉર્જિયા મેલોનીને તેમના નાયબ વડા પ્રધાને કહેલું...
મેલોનીએ ૨૦૨૩માં બે વાર ભારતની મુલાકાત લીધી હતી
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ૨૦૨૩ના પોતાના ભારતપ્રવાસ દરમ્યાન મળેલા એક અત્યંત યાદગાર અને અદ્ભુત સ્વાગતનો રસપ્રદ ખુલાસો કર્યો છે. પત્રકાર એલેસેન્ડ્રો સાલુસ્તી સાથેની વાતચીત પર આધારિત મેલોનીના નવા પુસ્તક ‘જ્યૉર્જિયાઝ વિઝન’માં આ કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેલોનીએ જણાવ્યું હતું કે ‘માર્ચ ૨૦૨૩માં જ્યારે હું નવી દિલ્હી પહોંચી ત્યારે રસ્તાઓ પર દર થોડા-થોડા ફુટે મારા ચહેરાવાળાં ‘વેલકમ’ લખેલાં પોસ્ટર્સ લાગેલાં હતાં. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે હું પાછી જવા લાગી ત્યારે એ જ પોસ્ટર્સ પર નવો મેસેજ લખાયેલો હતો, ‘વિઝિટ કરવા માટે થૅન્ક યુ’.’
આ ભવ્ય સ્વાગત જોઈને ઇટલીના ડેપ્યુટી વડા પ્રધાન ઍન્ટોનિયો તજાનીએ મજાક કરતાં મેલોનીને કહ્યું હતું કે ‘આ બધાં પોસ્ટર્સ જોઈને લાગે છે કે જો તમે નવી દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લડ્યાં હોત તો તમને લાખો વોટ મળી ગયા હોત.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મેલોનીએ ૨૦૨૩માં બે વાર ભારતની મુલાકાત લીધી હતી.
