વધુ દહેજ મેળવવા પુત્રવધૂને જીવતી સળગાવી દેવાના મામલે ઉત્તર પ્રદેશની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષે લોકોને અપીલ કરી
પ્રતીકાત્મક તસવીર
ગ્રેટર નોએડામાં દહેજ માટે સાસરિયાંએ નિક્કીને જીવતી સળગાવી નાખી એ કિસ્સાને કારણે ચોમેર આક્રોશ વર્તાઈ રહ્યો છે. આ કિસ્સા પછી તો ઉત્તર પ્રદેશના મિતાલી ગામની કેસરિયા મહાપંચાયતે દીકરીઓની સુરક્ષા માટે તેમને હથિયાર આપવાનો આગ્રહ કર્યો છે. દહેજને કારણે દીકરીઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઠાકુર સમુદાયની એક વિશાળ સભાનું આયોજન થયું હતું, જેને કેસરિયા મહાપંચાયત નામ આપવામાં આવ્યું હતું. આ સભામાં નેતાઓ અને ગ્રામજનોએ સમાજની બહેન-દીકરીઓને કેવી રીતે સુરક્ષિત રાખવી એની ચર્ચા કરી હતી. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ ઠાકુર કુંવર અજય પ્રતાપ સિંહે કહ્યું હતું કે ‘આપણી દીકરીઓને દહેજ અને કન્યાદાનમાં સોના, ચાંદી અને પૈસા આપવામાં આવે છે એ તમે આપો કે ન આપો: પરંતુ તેમને ખંજર, તલવાર અને બંદૂક જરૂર આપો. જો કોઈકને રિવૉલ્વર મોંઘી લાગે તો કટ્ટો પણ ચાલશે.’

