૨૧મીએ મોડી રાત્રે લગ્ન હતાં. લગ્ન પત્યા પછી બીજા દિવસે વિદાઈ હતી.
મનોજ કુશવાહા અને અનીશા કુશવાહા
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક યુવતી લગ્ન કર્યા પછી વિદાય લઈને સીધી સાસરે જવાને બદલે નોકરીનો ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચી એ જોઈને ઇન્ટરવ્યુ લેનારાઓ પણ ચકિત થઈ ગયા હતા. વાત હિરૌડા ગામની છે. સાઇબર કૅફે ચલાવતા મનોજ કુશવાહાનાં લગ્ન અનીશા કુશવાહા સાથે ૨૧ ફેબ્રુઆરીએ ધામધૂમથી થયાં હતાં. જોકે લગ્નના આગલા દિવસે જ અનીશાને ખબર પડી કે બાવીસમી ફેબ્રુઆરીએ આગ્રાના વિકાસ ભવનમાં આંગણવાડી કાર્યકર્તાના પદ માટેના ઇન્ટરવ્યુ છે. એ સાંભળીને બાવીસમી ફેબ્રુઆરીએ તો તેની વિદાઈ અને સાસરે પહોંચ્યા પછીની રસમો થવાની હતી. એવામાં અનીશાને હતું કે તેણે કદાચ આ ઇન્ટરવ્યુ છોડી દેવો પડશે. જોકે તેના પતિ મનોજે વચલો રસ્તો કાઢી આપ્યો. ૨૧મીએ મોડી રાત્રે લગ્ન હતાં. લગ્ન પત્યા પછી બીજા દિવસે વિદાઈ હતી. જોકે વિદાઈને બદલે મનોજ તેને લઈને પહેલાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. એ વખતે અનીશા હજી દુલ્હનના વેશમાં જ હતી. એ જોઈને ઇન્ટરવ્યુ લેનારાઓ પણ નવાઈ પામ્યા હતા. ઇન્ટરવ્યુ આપ્યા પછી મનોજ નવપરિણીત દુલ્હનને લઈને પોતાના ઘરે ગયો અને બાકીની રસમ કરી હતી. મનોજનું કહેવું હતું કે ‘પત્ની આત્મનિર્ભર રહે અને તેનાં સપનાંઓ સાકાર કરે એ પતિ તરીકે મારી ફરજ છે. લગ્ન તેની કરીઅરમાં બાધારૂપ ન બને એ માટે હું મારાથી બનતું બધું જ કરીશ.’
