હરિદ્વારથી મેરઠ કાવડ લેવા નીકળેલા ટેક્નૉલૉજી વિદ્યાર્થી અક્ષયે નકામી ચીજોમાંથી માત્ર ત્રણ દિવસમાં બૅટરીથી ચાલતી અનોખી બાઇક બનાવી છે, જે એક ચાર્જમાં ૧૫૦ કિમી ચાલે છે.
કાવડયાત્રામાં આકર્ષણ બની તેજસ બાઇક કાવડ
હરિદ્વારથી મેરઠ માટે નીકળેલા અક્ષય નામના ટેક્નૉલૉજીના વિદ્યાર્થીની અનોખી કાવડે લોકોમાં આકર્ષણ જગાવ્યું છે. વિદ્યાર્થીએ બૅટરીથી સંચાલિત એક બાઇક બનાવી છે જેમાં મૉટર, બૅટરી, ચાર્જર, કન્ટ્રોલર અને હેડલાઇટ છે. ત્રણ જ દિવસમાં નકામી ચીજોમાંથી બનેલી આ બાઇકને હલકીફૂલકી રાખવા માટે પાઇપો વાપરવામાં આવી છે. લગભગ ૪૦,૦૦૦ રૂપિયાના ખર્ચે બનેલી આ બાઇક એક વાર ચાર્જ કરો તો ૧૫૦ કિલોમીટર ચાલી શકે છે અને એની ટૉપ સ્પીડ ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. યુવાને પોતાની બાઇકને નામ આપ્યું છે તેજસ બાઇક કાવડ. આ બાઇકને તેજસ વિમાન જેવો લુક આપવાનો પ્રયત્ન થયો છે. અલબત્ત, એવો અદ્દલ લુક છે નહીં. અક્ષયનું કહેવું છે કે બધા લોકો કંઈક નવીન કરીને કાવડ લઈ આવતા હતા એ જોઈને મને પણ મન થયું હતું કે મારા એજ્યુકેશનનો ઉપયોગ કરીને હું પણ કંઈક એવું બનાવું જે યુનિક હોય અને કાવડ લાવવાની પ્રક્રિયા મજેદાર બની જાય. મેં છેલ્લી ઘડીએ નક્કી કર્યું હતું એટલે મારી પાસે બહુ સમય નહોતો. માત્ર ત્રણ દિવસમાં આ બાઇક બની છે. આ બાઇકને ફુલ ચાર્જ થતાં ૪ કલાક લાગે છે અને એક ચાર્જમાં ૧૫૦ કિલોમીટર ચાલે છે.’
