HIV પૉઝિટિવ હોવાની વાત છુપાવવાને બદલે રાહુલ ખંગવાલે મૅટ્રિમોનિયલ સાઇટ પર પ્રામાણિકતાથી પોતાની સ્થિતિ જાહેર કરી. પ્રેમ અને સમજણની અપેક્ષા સાથે આપેલી આ જાહેરાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ અને અનેક મહિલાઓ તેમજ લોકોએ તેની હિંમત અને ઈમાનદારીના વખાણ કર્યા.
HIV પોઝિટિવ મેન
લગ્નની ઇચ્છા ધરાવતા યુવકો મોટા ભાગે પોતાના ગુણોનાં ગુણગાન કરતી જાહેરખબર આપતા હોય છે. પોતાના દેખાવથી લઈને કમાણી અને સોશ્યલ સ્ટેટસની વાત એમાં લખાય છે અને કેવી જીવનસાથી જોઈએ છે એની સ્પષ્ટતાઓ કરે છે. જોકે એક મૅટ્રિમોનિયલ સાઇટ પર રાહુલ ખંગવાલ નામના યુવાને લગ્નવિષયક જાહેરાતમાં પ્રામાણિકતાથી પોતે હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV)નું ઇન્ફેક્શન ધરાવે છે એવું જણાવ્યું હતું. તેણે પોતાની સ્થિતિ છુપાવવાને બદલે પૂરી ઈમાનદારીથી લખ્યું હતું, ‘હું HIV પૉઝિટિવ છું, પણ નિયમિત દવા લઉં છું અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યો છું. હું પર્ફેક્ટ નથી પરંતુ પ્રામાણિક, સમજદાર અને પ્રેમાળ છું. જો તમે મારો સ્વીકાર કરી શકો તો સાથે મળીને એક સુંદર જિંદગી જીવી શકાય એમ છે. હું મારા પાર્ટનર પાસેથી પ્રેમ અને સમજણ ઇચ્છું છું, સહાનુભૂતિ નહીં.’એ મૅરેજ-બ્યુરોએ રાહુલની જાહેરાતને સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી જેમાં તેની ડિગ્રી, કમાણી, ફોટો અને ફોન-નંબર સહિત બધું જ લખેલું હતું. નવાઈની વાત એ છે કે આ પોસ્ટ પછી રાહુલને ઘણી મહિલાઓ તરફથી જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો. રાહુલની આ જાહેરાત વાઇરલ થયા પછી અનેક લોકોએ તેની હિંમતનાં વખાણ કર્યાં. કેટલાય લોકોએ લખ્યું હતું કે સાચું બોલનારા લોકો આજે પણ છે, રાહુલ આપ અકેલે નહીં હો.
