ઍક્સ-રેનો રિપોર્ટ જોઈને ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા
ટીનેજરના પેટની અંદર બ્લેડના તીક્ષ્ણ ટુકડાઓ દેખાયા હતા
હૈદરાબાદની ઓસ્માનિયા જનરલ હૉસ્પિટલમાંથી અત્યંત ચોંકાવનારો અને શ્વાસ અધ્ધર કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૧૬ વર્ષના એક ટીનેજરે અજાણતાં કે કોઈ કારણોસર અનેક બ્લેડ ગળી લીધી હતી.
મોડી રાત્રે બે વાગ્યે કિશોરને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ઍક્સ-રેનો રિપોર્ટ જોઈને ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. ટીનેજરના પેટની અંદર બ્લેડના તીક્ષ્ણ ટુકડાઓ દેખાયા હતા. જરા પણ બેદરકારી કે વિલંબ થાય તો પેટ અને આંતરડાં કપાઈ જવાનું અને આંતરિક રક્તસ્રાવથી તેનો જીવ જવાનું જોખમ હતું.
ADVERTISEMENT
ડૉક્ટરોની ખાસ ટુકડીએ તાત્કાલિક મોરચો સંભાળ્યો અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગના કૌશલ્યથી મોટું ઑપરેશન કરવાને બદલે મિનિમલી ઇન્વેસિવ એન્ડોસ્કોપી પદ્ધતિ દ્વારા પેટમાંથી અસ્ત્રાની બ્લેડના ૩ ધારદાર ટુકડા સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. ડૉક્ટરોની સમયસૂચકતાને કારણે ટીનેજરનો જીવ બચી ગયો છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
