જપાનમાં જિકો બુકેન તરીકે ઓળખાતા ભૂતિયાં ઘરો હવે 30થી 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે વેચાઈ રહ્યા છે. ટોક્યોમાં પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે મધ્યમ વર્ગના લોકો આવા સસ્તા ઘરો ખરીદવા આગળ આવી રહ્યા છે. રિયલ એસ્ટેટ એજન્સીઓ આવાં ઘરોના શુદ્ધિકરણનું પૅકેજ આપે છે.
મોંઘવારીને કારણે ભૂતિયાં ઘરો ખરીદવા માટે જપાનમાં પડાપડી
જે ઘરોને અશુભ માનીને કોઈ ખરીદતું નહોતું એવાં ભૂતિયાં ઘરોની હવે જપાનમાં જબરી બોલબાલા શરૂ થઈ છે. એનું કારણ એ છે કે આવાં ભૂતિયાં ઘરો ત્રીસથી ૫૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યાં છે. જપાનમાં અશુભ ઘરોને જિકો બુકેન કહેવાય છે. જિકો બુકેન એવાં ઘર હોય છે જ્યાં ક્યારેક કોઈકની હત્યા કે આત્મહત્યા થઈ હોય. ધાર્મિક માન્યતા અનુસાર અપમૃત્યુ થયું હોય એવાં ઘરો અપશુકનિયાળ હોય છે અને નવા રહેવા આવનાર પરિવાર પર પણ એ અપશુકનની માઠી અસર થાય છે. જોકે તાજેતરમાં ટોક્યો શહેરમાં પ્રૉપર્ટીના ભાવ બેફામ વધી રહ્યા હોવાથી ઘર-ખરીદીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. બીજી તરફ ન વેચાતાં ભૂતિયાં ઘરોની સંખ્યા પણ વધી રહી હતી. આખરે કેટલાક ડાહ્યા લોકોએ જિકો બુકેનનું લેબલ લાગ્યું હોય એવાં ઘરો ઝટપટ વેચાય એ માટે ડિસ્કાઉન્ટ ઑફર બહાર પાડી હતી. એક તરફ મોંઘવારી છે અને બીજી તરફ સસ્તા ભાવે મળતાં ભૂતિયાં ઘરો. એવામાં મધ્યમ વર્ગના લોકોને સસ્તાં ઘરો ખરીદી લેવામાં વધુ ડહાપણ લાગી રહ્યું છે. ખરીદદારોના મનમાં કોઈ અપશુકનનો કચવાટ ન રહી જાય એ માટે રિયલ એસ્ટેટ એજન્સીઓ આવાં ઘરોના શુદ્ધિકરણનું પૅકેજ પણ ઑફર કરે છે. અહીં ધાર્મિક અનુષ્ઠાન કર્યા પછી થર્મલ સેન્સર દ્વારા ચેકિંગ કરીને ગ્રાહકને ભરોસો આપવામાં આવે છે કે આ ઘરમાં કોઈ જ બૂરા આત્મા કે બૂરી શક્તિઓનો ઓછાયો નથી.
