બાળકો વાંસની સીડીની મદદથી તૂટેલા પુલ પર ચડીને સ્કૂલમાં જઈ રહ્યાં છે. લગભગ એક ડઝન ગામોમાં સ્કૂલનાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર છે
પુલ તૂટી પડ્યો તો એના પર ચડવા સીડી લગાવી દીધી
ઝારખંડના ખૂંટી નામના નગરમાં ૧૯ જૂને સવારે ભારે વરસાદને કારણે ખૂંટી-સિમડેગા મુખ્ય માર્ગ પર પેલૌલ ગામ નજીક બનાઈ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. પુલનો એક થાંભલો વાંકો થવાને કારણે સ્લૅબ લગભગ ૨૦ ફુટ નીચે ગયો છે. આ કારણે આ માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, પરંતુ સ્થાનિક લોકોએ પુલ પર વાંસની સીડી લગાવી છે. બાળકો વાંસની સીડીની મદદથી તૂટેલા પુલ પર ચડીને સ્કૂલમાં જઈ રહ્યાં છે. લગભગ એક ડઝન ગામોમાં સ્કૂલનાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા મજબૂર છે. આનો એક વિડિયો પણ વાઇરલ થયો છે. આવી સ્થિતિમાં ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. જોકે રાજ્ય પ્રશાસનને આ વાતની જાણ થતાં જ સલામતીના દૃષ્ટિકોણથી તાત્કાલિક સીડી હટાવી દેવામાં આવી હતી.

