ગુરપતવંત સિંહ પન્નુએ આરોપ લગાવ્યો છે કે કપિલ શર્મા કૅનેડામાં રોકાણ કરીને નરેન્દ્ર મોદીની હિન્દુત્વ વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
કૉમેડિયન કપિલ શર્મા
કૉમેડિયન કપિલ શર્માના કૅનેડાસ્થિત કૅપ્સ કૅફે પર ફાયરિંગ થયું હતું. હવે ખાલિસ્તાની સંગઠન સિખ ફૉર જસ્ટિસ દ્વારા તેને કૅનેડામાંથી કૅફે હટાવવા માટે ધમકી આપવામાં આવી છે. કપિલ શર્માના કૅનેડાના સરે સ્થિત કૅપ્સ કૅફે પર ખાલિસ્તાન સમર્થકોએ બુધવારે ગોળીબાર કર્યો હતો. એની જવાબદારી જર્મનીમાં સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલના ઑપરેટિવ હરજિત સિંહ લડ્ડીએ લીધી હતી. ફાયરિંગ બાદ હવે ખાલિસ્તાની સમર્થક ગ્રુપ સિખ ફૉર જસ્ટિસ (SFJ)એ એક વિડિયો રિલીઝ કરીને કપિલ શર્માને ધમકાવ્યો છે.
SFJના મુખ્ય ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું છે કે કૅનેડા એ કપિલ શર્માનું રમતનું મેદાન નથી. આ વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુરપતવંત સિંહ પન્નુએ આરોપ લગાવ્યો છે કે કપિલ શર્મા કૅનેડામાં રોકાણ કરીને નરેન્દ્ર મોદીની હિન્દુત્વ વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
ADVERTISEMENT
ગુરુપતવંત સિંહે વિડિયોમાં કહ્યું છે : ‘કપિલ શર્મા અને તમામ મોદી-બ્રૅન્ડ હિન્દુત્વ સમર્થક રોકાણકારો સાંભળી લો, કૅનેડા તમારું રમતનું મેદાન નથી. તમારા રક્તના પૈસા હિન્દુસ્તાન પાછા લઈ જાઓ. કૅનેડા હિંસક હિન્દુત્વ વિચારધારાને વ્યવસાયના નામે પોતાની જમીન પર ફેલાવા દેશે નહીં. કપિલ શર્મા મેરા ભારત મહાનનો નારો લગાવે છે અને ખુલ્લેઆમ મોદીના હિન્દુત્વનું સમર્થન કરે છે. તે મોદીના ભારતમાં રોકાણ કરવાને બદલે કૅનેડામાં શા માટે રોકાણ કરી રહ્યો છે?’

