આ સ્ટડીમાં યુનાઇટેડ કિંગડમની સ્કૂલોનાં ૨૪૦ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
યુરોપના રિસર્ચરોએ જણાવ્યું છે કે સાતથી ૧૫ વર્ષનાં બાળકો દરરોજ ટીવી પર માત્ર પાંચ મિનિટ સુધી હાઈ ફૅટ, સૉલ્ટ ઍન્ડ શુગર (HFSS) ધરાવતા જન્ક ફૂડની જાહેરાતો જુએ તો સરેરાશ ૧૩૦ વધારાની કૅલરી ખાય છે. જન્ક ફૂડની જાહેરાતોને પ્રતિબંધિત કરવા માટે વૈશ્વિક સ્તરે વધી રહેલી માગણી વચ્ચે લિવરપૂલ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસની વિગતો યુરોપિયન કૉન્ગ્રેસ ઑન ઓબેસિટીમાં રજૂ કરવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે જન્ક ફૂડની જાહેરાતો જોનારાં બાળકો અને કિશોરો દિવસ દરમ્યાન વધુ કૅલરી ખાઈ જાય છે.
આ સ્ટડી કરનારાં મુખ્ય લેખક પ્રોફેસર એમ્મા બોયલૅન્ડે જણાવ્યું હતું કે ‘આ અભ્યાસ કિશોરો શું ખાય છે, તેમના પર ફૂડ-માર્કેટિંગની કેવી અસર થાય છે એ વિશે નવી મહત્ત્વપૂર્ણ સમજ આપે છે. જન્ક ફૂડની જાહેરાતોના સંપર્કમાં આવવાથી પણ વધુ કૅલરીનો વપરાશ થઈ શકે છે અને સમય જતાં વજનમાં વધારો થઈ શકે છે.’
આ સ્ટડીમાં યુનાઇટેડ કિંગડમની સ્કૂલોનાં ૨૪૦ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જન્ક ફૂડની જાહેરાતો જોયા પછી બાળકોએ નાસ્તામાં વધુ ૫૮ કૅલરી, બપોરના ભોજનમાં વધુ ૭૨ કૅલરી અને એકંદરે ૧૩૦ વધુ કૅલરી ખાધી હતી.

