લૅક્સિન્ગ્ટન સિટીમાં લિયામ નામના આઠ વર્ષના એક છોકરાએ ઍમૅઝૉન પરથી બલ્કમાં લૉલીપૉપ્સ ખરીદીને તેની મમ્મી હોલીને મુસીબતમાં મૂકી દીધી હતી. લિયામ એક કાર્નિવલમાં ભાગ લેવાનો હતો અને એમાં તે લોકોને ઇનામ તરીકે ડમ ડમ લૉલીપૉપ આપવા માગતો હતો.
લૉલીપૉપના ૩૦ ડબ્બા
અમેરિકાના કેન્ટકી રાજ્યમાં લૅક્સિન્ગ્ટન સિટીમાં લિયામ નામના આઠ વર્ષના એક છોકરાએ ઍમૅઝૉન પરથી બલ્કમાં લૉલીપૉપ્સ ખરીદીને તેની મમ્મી હોલીને મુસીબતમાં મૂકી દીધી હતી. લિયામ એક કાર્નિવલમાં ભાગ લેવાનો હતો અને એમાં તે લોકોને ઇનામ તરીકે ડમ ડમ લૉલીપૉપ આપવા માગતો હતો. એ માટે તેણે મમ્મીના મોબાઇલથી ઍમૅઝૉન પરથી લૉલીપૉપના ૩૦ ડબ્બા મગાવ્યા હતા. આ ૩૦ ડબ્બા બે-ચાર લૉલીપૉપના ડબ્બા નહોતા, બલકે એમાં ૭૦,૦૦૦ કૅન્ડી હતી. આ લૉલીપૉપની કિંમત ૪૨૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩,૫૫,૭૯૫ રૂપિયા જેટલી થઈ હતી. હોલીને જેવી ખબર પડી કે દીકરાએ આ બ્લન્ડર કર્યું છે ત્યારે તેણે તરત જ ઍમૅઝૉનનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે જો તે રીફન્ડ મળે એવું ઇચ્છતી હોય તો ડિલિવરી લેવાની જ ના પાડી દે. તેણે એક વાર તો ડિલિવરી સ્વીકારવાની ના પાડી હતી, પણ બીજી વાર ડિલિવરીબૉય ૨૪ ડબ્બા ઘરની બહાર મૂકીને જતો રહ્યો. હવે હોલીબહેન ફેસબુક પર કોઈકને આ લૉલીપૉપ્સ જોઈતી હોય તો એ વેચીને પૈસા પાછા મેળવવાની મથામણ કરી રહ્યાં છે.

