વારંવાર પાઇપલાઇન તૂટી જવાને કારણે આખા શહેરને પાણીની તકલીફ થાય છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના ખંડવામાં અઢી લાખ લાકોની વસ્તીને પાણી પૂરું પાડવા માટે જે કંપનીને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે એનું કામ એટલું લોચાવાળું છે કે વારંવાર પાઇપલાઇન તૂટી જવાને કારણે આખા શહેરને પાણીની તકલીફ થાય છે. જ્યારે પણ પાઇપ ફાટે ત્યારે ૪૮ કલાક માટે પાણીની સપ્લાય બંધ થઈ જાય છે. નર્મદાનું જળ લોકોને પહોંચાડવાની આ પાઇપલાઇન ૪૦૦થી વધુ વાર ફૂટી ચૂકી છે એટલે ખંડવા નગર નિગમના વિરોધ પક્ષના નેતા આ ઘટના માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં આ ઘટના દર્જ કરાવવા માટે આવેદન આપી રહ્યા છે. જોકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડવાળાએ પ્રશાસન પાસેથી ડેટા મગાવ્યો છે કે ક્યારે-ક્યારે પાઇપ ફૂટી હતી. આ પત્ર લઈને વિરોધ પક્ષના નેતાઓ કલેક્ટરને આપવા ગયા હતા. વિરોધ પક્ષના મુલ્લુ રાઠોર નામના નેતાએ પાલિકાની આંખો ખોલવા માટે આ ગતકડું કર્યું હતું. તેમનું કહેવું છે કે ગિનેસમાં ૧૦૦ કરોડ રૂપિયાથી મોટા પ્રોજેક્ટમાં સૌથી વધુ ૮૫ વાર પાઇપ ફૂટવાનો રેકૉર્ડ એશિયાના જ કોઈક દેશનો છે. જોકે ખંડવામાં તો એનાથીયે પાંચગણી વાર પાઇપો ફૂટી છે તો એનું માન ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હોવું જોઈએ.’

