એક રોડ પર બાઇક પાર્ક કરીને યુગલ જંગલમાં એક કિલોમીટર અંદર ચાલીને ગયું હતું અને પછી ત્યાં પતિ-પત્ની બન્નેએ ઝેર પી લીધું હતું. તેમણે દીકરાને પણ ઝેર આપ્યું હતું, પણ એની માત્રા ઓછી હોવાથી તેને ખાસ અસર નહોતી થઈ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઓડિશાના દેવગઢ જિલ્લાના ગાઢ જંગલમાં પાંચ વર્ષનો એક છોકરો તેના મૃત પિતા અને બેહોશ માતાની દેખભાળ કરતો બેસી રહ્યો. સવારે અજવાળું થતાં તેણે જંગલની બહાર આવીને મદદ માગી. વાત એમ હતી કે દુષ્મંત માંઝી અને રિન્કી માંઝી નામનું યુગલ તેમના પાંચ વર્ષના દીકરાને લઈને મોટરસાઇકલ પર રાતના સમયે જંગલમાં ગયું હતું. એક રોડ પર બાઇક પાર્ક કરીને યુગલ જંગલમાં એક કિલોમીટર અંદર ચાલીને ગયું હતું અને પછી ત્યાં પતિ-પત્ની બન્નેએ ઝેર પી લીધું હતું. તેમણે દીકરાને પણ ઝેર આપ્યું હતું, પણ એની માત્રા ઓછી હોવાથી તેને ખાસ અસર નહોતી થઈ. ઝેર પીધાના એક જ કલાકમાં દુષ્મંતનો જીવ નીકળી ગયો, જ્યારે રિન્કી બેહોશ થઈ ગઈ હતી. દીકરો જંગલમાં તેમની પાસે બેસી રહ્યો અને અજવાળું થતાં ચાલીને બહાર આવ્યો અને પોલીસને સૂચના આપી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે રિન્કી જીવતી હતી અને તેની સારવાર કરવા માટે લઈ જવાઈ હતી, પણ બચી નહોતી શકી.


