ચીનમાં એકલા રહેતા લોકો માટે ઍપ : દર બે દિવસે જીવતા છો એનો પુરાવો આપવાનો, નહીંતર તમારી નજીકના લોકોને અલર્ટ મોકલાશે
ઍપ
પાછલી વયે સિંગલ અને એકલવાયું જીવન ગાળતા લોકો ક્યારેક કોઈ મુસીબતમાં હોય કે પછી ઘરમાં જ ગુજરી ગયા હોય અને આસપાસના લોકોને ખબર પણ ન પડે એવું બનતું હોય છે. આ માટે ચીનમાં ૨૦૨૫ના મે મહિનામાં એક ઍપ શરૂ કરવામાં આવેલી. નામ છે Damunu. અંગ્રેજીમાં એનો મતલબ થાય આર યુ ડેડ? મતલબ કે તમે મરી ગયા છો? આ ઍપ તમે જીવતા છો એવાં સિગ્નલ તમારા નજીકના વર્તુળને પહોંચાડે છે. આ ઍપ વાપરવા માટે પહેલાં તો તમારો આખો પ્રોફાઇલ એમાં બનાવવામાં આવે. તમારા નજીકના કૉન્ટૅક્ટની ડીટેલ પર એમાં ઉમેરવામાં આવે. એ પછી આ ઍપમાં રોજ અથવા તો એકાંતરે દિવસે તમે જીવતા છો એવો પુરાવો આપવાનો. એ માટે આ ઍપ ખોલીને દર બે દિવસે એક વાર એમાં ચેક-ઇન કર્યાનું બટન દબાવવાનું. હવે જો તમે લગાતાર બે દિવસ માટે ઍપ ખોલીને એ બટન દબાવવાનું ભૂલી જાઓ તો તમારા પ્રોફાઇલમાં જે નજીકનાં વર્તુળોનો કૉન્ટૅક્ટ-નંબર ફીડ કરેલો હોય તેમને ઑટોમેટિક મેસેજ પહોંચી જાય કે તમે બે દિવસથી ઍક્ટિવિટી નથી કરી. એવામાં નજીકના લોકો તમને ફોન કરીને કે અન્ય રીતે કૉન્ટૅક્ટ કરીને તમારા મુશ્કેલ સમયમાં તમારા માટે આવી પહોંચી શકે.
નવાઈની વાત એ છે કે હજી ૮ મહિના પહેલાં જ શરૂ થયેલી આ ઍપ બનાવવા માટે માત્ર ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ એનાથી જે સર્વિસ મળી રહી છે એ હિટ થઈ જતાં એની કિંમત ૧૩ કરોડની થઈ ગઈ છે. પહેલાં ઍપ ફ્રી હતી, પણ હવે ૧૦૩ રૂપિયા ચાર્જ છે. ચીનમાં એકલા રહેતા વડીલોની સંખ્યા ખૂબ વધી રહી છે અને ૨૦૩૦ સુધીમાં લગભગ ૨૦ કરોડ લોકો એકલા રહેતા હશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે આવી ઍપ વરદાનરૂપ સાબિત થશે.


