૫૦ વર્ષના મેજર લિજેશ ૨૦૨૪માં રિટાયર થયા હતા. એ પછી તેમણે તેમની ભરતનાટ્યમમાં માહેર એવી ૧૭ વર્ષની દીકરીને કરાટેના ક્લાસમાં મૂકી હતી
સૂબેદાર મેજર લિજેશ અને તેમની દીકરી વૈદેહી
કેરલાના કન્નુર જિલ્લાના કડાચીરા ટાઉનમાં તાજેતરમાં યોજાયેલા ટેમ્પલ ફેસ્ટિવલમાં એક આર્મી-ઑફિસરને ક્લાસિકલ ડાન્સ કરતા જોઈને મંદિરના અધિકારીઓ અને દર્શકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એમ હતી કે ૨૮ વર્ષ સુધી આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા સૂબેદાર મેજર લિજેશની દીકરી વૈદેહી એ મંદિરના ઉત્સવમાં ડાન્સ પર્ફોર્મ કરવાની હતી. જોકે જ્યારે વૈદેહીની સાથે મેજર લિજેશ પણ ટ્રેડિશનલ ભરતનાટ્યમના અંગરખામાં તૈયાર થઈને આવ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. લિજેશ કહે છે અમે જ્યારે નામ નોંધાવ્યું ત્યારે વૈદેહી અને લિજેશ એમ લખાવ્યું હતું જેને આયોજકો એમ સમજ્યા કે બે નામ વચ્ચે ભૂલથી ‘અને’ લખાઈ ગયું લાગે છે. લિજેશ અને દીકરીને પરંપરાગત ડાન્સ કરતાં જોઈને ભલભલા લોકો મોઢામાં આંગળાં નાખી ગયા હતા, કેમ કે મોટા ભાગના લોકોએ મેજર લિજેશને આર્મીના યુનિફૉર્મ અથવા તો ઇસ્રીટાઇટ આર્મીને છાજે એવાં સુઘડ કપડાંમાં કડપ બતાવતા જોયા હતા. તો આ ચમત્કાર થયો કઈ રીતે?
૫૦ વર્ષના મેજર લિજેશ ૨૦૨૪માં રિટાયર થયા હતા. એ પછી તેમણે તેમની ભરતનાટ્યમમાં માહેર એવી ૧૭ વર્ષની દીકરીને કરાટેના ક્લાસમાં મૂકી હતી. છોકરીઓએ પોતાની સેફ્ટી માટે માર્શલ આર્ટ્સ શીખવું જ જોઈએ એવું માનતા પિતાને દીકરી તરફથી એકદમ અલગ જ રિસ્પૉન્સ મળ્યો. દીકરીએ લાડ લડાવીને કહ્યું કે પપ્પા મને કરાટે જરાય ગમતું નથી, આ તો છોકરાઓની આર્ટ છે, મને તો ભરતનાટ્યમ કરવું છે. બસ, પિતા લિજેશે દીકરીને કહ્યું કે કોઈ પણ કળા સ્ત્રી કે પુરુષો માટેની નથી હોતી, જો તું કરાટે શીખીશ તો હું ભરતનાટ્યમ શીખીશ. દીકરીએ કહ્યું કે તો તમે મારી સાથે ટેમ્પલ ફેસ્ટિવલમાં ડાન્સ કરશો? પિતાએ હા પાડી દીધી.
ADVERTISEMENT
જોકે વાત ત્યાં નથી પતતી. પિતાએ દીકરીને આપેલું વચન અક્ષરશઃ પાળ્યું. તેમણે ખૂબ ગંભીરતાથી દીકરીની ચૅલેન્જ ઉપાડી લીધી. દીકરી પાસેથી જ ભરતનાટ્યમ શીખ્યા. એટલું જ નહીં, આ ટ્યુશન માત્ર પ્રાઇવેટ ન રહ્યું, તેમણે દીકરી સાથે મંદિરના ઉત્સવમાં ડાન્સ પણ કર્યો.
