આ ઘટના પછી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
૧૯ વર્ષની કન્યાના અંતિમ સંસ્કાર ડીઝલ અને ટાયરથી કરવા પડ્યા
ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલા શ્રીનગર શહેરમાં કમકમાં લાવી દે એવી એક ઘટના ઘટી. અહીં સૂકાં લાકડાં ન મળવાથી ૧૯ વર્ષની યુવતીના અંતિમ સંસ્કાર ડીઝલ અને જૂનાં ટાયરો સળગાવીને કરવામાં આવ્યા. સાંભળતાં જ અરેરાટી ઊપજે એવું કામ પરિવારજનોએ કેમ કરવું પડ્યું? તો એનો જવાબ છે સૂકાં લાકડાંનો અભાવ. પરિવારજનો જ્યારે દીકરીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવા માટે અલકેશ્વર ઘાટ પર આવ્યા તો સ્મશાન પાસેના એક પ્રાઇવેટ લાકડાંવાળાએ ભીનાં લાકડાં આપ્યાં હતાં. એને કારણે ૪ કલાક સુધી મહેનત કરવા છતાં લાકડાં સળગ્યાં જ નહીં. વરસાદ પડવાને કારણે લાકડાં એટલાં ભીનાં હતાં કે આગ પકડતાં જ નહોતાં. ૪ કલાક સુધી મહેનત કરી અને ૧૫ લીટર ડીઝલ રેડ્યા પછી પણ જ્યારે ચિતા સળગી જ નહીં તો ત્યાં હાજર સૌ વિવશ થઈને જોતા રહ્યા. આખરે વિવશ પિતાએ વધુ પાંચ લીટર ડીઝલ મગાવ્યું તો પણ ચિતા ન સળગી. છેક છેલ્લે કોઈકે કહ્યું કે ડીઝલ અને ટાયર સાથે હશે તો આગ પકડાશે. એટલે આસપાસમાંથી જૂનાં ટાયર, ટ્યુબ, ફાટેલાં કપડાં અને ગાદલાં લાવવામાં આવ્યાં અને એના પર ૧૦ લીટર ડીઝલ નાખીને સળગાવવામાં આવ્યાં ત્યારે ચિતામાં પૂરી રીતે આગ લાગી. આ ઘટના પછી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
