૮૬મી પત્ની સાથેના સંબંધો તૂટી ગયા પછી હવે તેણે ફરીથી ભૂતપૂર્વ પત્ની સાથે લગ્ન કર્યાં છે. આ તેનાં ૮૮મા લગ્ન છે.
કાન નામના એક ભાઈએ જીવનમાં જેટલાં વર્ષો નથી જીવ્યાં એટલી વાર તો લગ્ન કરી લીધાં છે
ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં કાન નામના એક ભાઈએ જીવનમાં જેટલાં વર્ષો નથી જીવ્યાં એટલી વાર તો લગ્ન કરી લીધાં છે. કાનભાઈ ખેડૂત છે અને અત્યાર સુધીમાં ૮૭ લગ્ન કરીને પત્નીથી છૂટા પડી ચૂક્યા છે. કાનનાં સૌપ્રથમ લગ્ન ૧૪ વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. જોકે એ લગ્ન માત્ર એકથી બે મહિના જ ટક્યાં હતાં. એ પછી બન્ને છૂટાં પડી ગયાં હતાં. એ પછી તો તેમને લગ્ન કરવાં અને છૂટા પડવું એમાં જાણે કે ફાવટ આવી ગઈ હતી. કોઈ લગ્ન તેમનાં એક વર્ષથી વધુ ટક્યાં નથી. એમ છતાં કાનભાઈનું કહેવું છે કે જ્યારે પણ કોઈ સ્ત્રી પ્રત્યે પ્રેમની લાગણી થાય ત્યારે તે બિન્દાસ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે. કાનભાઈના કહેવા મુજબ લગ્ન વિના કોઈની સાથે અનૈતિક સંબંધમાં આગળ વધવાને બદલે હું લગ્ન કરી લેવામાં માનું છું. જોકે ઘણી સ્ત્રીઓ ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેને છોડીને જતી રહી હતી. હવે અત્યારે કાનભાઈ તેમની ભૂતપૂર્વ પત્નીના પ્રેમમાં ફરીથી પડ્યા છે. તેની ૮૬મી પત્ની સાથેના સંબંધો તૂટી ગયા પછી હવે તેણે ફરીથી ભૂતપૂર્વ પત્ની સાથે લગ્ન કર્યાં છે. આ તેનાં ૮૮મા લગ્ન છે.


