એક રાત લડ્ડુ ગોપાલ પોલીસ-સ્ટેશને રહ્યા અને પાછા તેના ભક્તના ઘરે પહોંચી ગયા હતા
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક અનોખો કિસ્સો બન્યો
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક અનોખો કિસ્સો બન્યો હતો. એક મહિલાની ભૂલને કારણે ભગવાને પોલીસ-સ્ટેશનમાં રહેવું પડ્યું. વાત એમ છે કે બાંદા રેલવે-સ્ટેશન પર શનિવારે એક નધણિયાતી પ્લાસ્ટિકની બાસ્કેટ આવી હતી. રેલવે-સ્ટેશનના પૂછપરછ વિભાગમાં એ બાસ્કેટ પડી હતી. પહેલાં તો આ બાસ્કેટનું કોઈ માલિક આસપાસ મળ્યું નહોતું એટલે લોકોએ ગભરાઈને પોલીસને જાણ કરી. રેલવે સુરક્ષા દળોએ આ બાસ્કેટ ઉઠાવીને નજીકના પોલીસ-સ્ટેશને મોકલી આપી. પહેલાં તો લોકોને લાગ્યું કે કદાચ એમાં કંઈક શંકાશીલ વસ્તુ હશે. જોકે પ્લાસ્ટિક ટ્રાન્સપરન્ટ હતું અને રેલવે પ્રોટેક્શન ફોર્સે મેટલ ડિટેક્ટરથી ચેક કરીને એમાં કાંઈ જોખમી નથી એવું નક્કી કરી લીધું હતું. પોલીસ-સ્ટેશને જ્યારે આ સામાન કોનો છે એ શોધવા માટે બાસ્કેટ ખોલી તો પોલીસના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું. અંદર મજાના લડ્ડુ ગોપાલની મૂર્તિ હતી. પોલીસે પણ કોઈ ભૂલી ગયું હશે એમ માનીને સન્માનપૂર્વક એક ટેબલ પર લાલાને બિરાજમાન કરી દીધા હતા. બીજા દિવસે એક મહિલા આવીને પૂછપરછ કરવા માંડી કે રેલવે-સ્ટેશન પરથી ખોવાયેલો સામાન મળ્યો છે? એમાં મારા લડ્ડુ ગોપાલ છે. રેલવે-સ્ટેશનવાળાઓએ તેને આ પોલીસચોકી પર મોકલી દીધી હતી. એક રાત લડ્ડુ ગોપાલ પોલીસ-સ્ટેશને રહ્યા અને પાછા તેના ભક્તના ઘરે પહોંચી ગયા હતા.


