વાનખેડે સ્ટેડિયમમાં જવા માટેનો બ્રિજ નવેસરથી બાંધીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો
ફુટ ઓવર બ્રિજ (FOB)
વેસ્ટર્ન રેલવેના ચર્ચગેટ સ્ટેશન પર નૉર્થ તરફ નવેસરથી બાંધવામાં આવી રહેલા ફુટ ઓવર બ્રિજ (FOB)નું કામ પૂરું થઈ ગયું છે એટલે એ ગઈ કાલથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચ જોવા જનારા ફૅન્સ આ નવા બ્રિજનો ઉપયોગ કરીને ઝડપથી વાનખેડે સ્ટેડિયમ પહોંચી શકશે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘ચર્ચગેટ સ્ટેશન પર ઉત્તર તરફનો FOB જૂનો થઈ ગયો હતો એટલે એને તોડી નાખવામાં આવ્યો હતો. ૪૮ મીટર લાંબો અને ૬.૩૦ મીટર પહોળો નવો FOB બનાવવા માટે જરૂરી ૬.૫૦ કરોડ રૂપિયા મુંબઈ ક્રિકેટ અસોસિએશને ફાળવ્યા હતા. આ FOBનું કામ આઠ મહિનામાં પૂરું કરી દેવામાં આવ્યું છે અને હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ FOBની બે નૉર્થ સાઇડનાં પગથિયાં તૈયાર થઈ ગયાં છે, જ્યારે સાઉથ તરફ સ્ટેશનમાંથી બહાર નીકળવા માટેનાં પગથિયાંનું કામ ૭ એપ્રિલ સુધીમાં પૂરું થઈ જશે.’

