આ બહેનનો ઘોડાઓ પ્રત્યેનો લગાવ ત્યારે ચર્ચાનો વિષય બની ગયો જ્યારે બહેન ખુદને ઘોડી સમજવામાં વધુ કમ્ફર્ટેબલ થઈ ગયાં
રિયલિટી શો ‘માય સ્ટ્રેન્જ ઍડિક્શન’માં ૩૧ વર્ષનાં એક બહેન જોવા મળ્યાં હતાં
તાજેતરમાં અજીબોગરીબ કિસ્સાઓ ઉજાગર કરતી એક ડૉક્યુમેન્ટરી ચૅનલના રિયલિટી શો ‘માય સ્ટ્રેન્જ ઍડિક્શન’માં ૩૧ વર્ષનાં એક બહેન જોવા મળ્યાં હતાં. નાનપણથી જ તેમને ઘોડા બહુ જ ગમતા હતા. તેમના ઘરમાં તબેલો પણ હતો અને તેમના પરિવારમાં ઘોડા પાળવાનું કામ થતું હતું. જોકે આ બહેનનો ઘોડાઓ પ્રત્યેનો લગાવ ત્યારે ચર્ચાનો વિષય બની ગયો જ્યારે બહેન ખુદને ઘોડી સમજવામાં વધુ કમ્ફર્ટેબલ થઈ ગયાં. મહિલાનું કહેવું છે કે તે ઘોડીની જેમ ચહેરા પર માસ્ક જેવું પહેરીને ખુલ્લા મેદાનમાં ફરે છે અને તે ૪ પગે ચાલીને ઘોડાની જેમ હણહણાટી કરવાનું પણ શીખી ગઈ છે. હજી તેને ઘોડાની જેમ બરાબર ૪ પગે ચાલતાં અને દોડતાં નથી ફાવતું, પણ બહેન એ શીખવાનો સહૃદય પ્રયત્ન કરી રહ્યાં છે. આ ડૉક્યુમેન્ટરીમાં બહેન કહે છે, ‘હું માણસ નથી, હું ઘોડી છું. મને ઘોડાની દુનિયામાં રહેવું જ બહુ ગમે છે. હું તો મારા પાર્ટનર અને દોસ્તોને પણ ઘોડાની જેમ વર્તન કરવા કહું છું.’
પરિવારજનોને શરૂઆતમાં લાગતું હતું કે આ તેનો એક શોખ છે, પણ જેમ-જેમ વર્ષો વીતી રહ્યાં છે એમ આ બહેનનું ઘોડી બનીને જીવવાનું ઝનૂન વણસી રહ્યું છે એનાથી તેઓ પણ ચિંતિત થઈ ગયા છે. ઘોડાઓ સાથે જ તે સમય વિતાવે છે. તેમણે સાઇકોલૉજિસ્ટ્સને કન્સલ્ટ કર્યા છે, પણ આ બહેન ડાયરેક્ટ કન્સલ્ટેશન માટે તૈયાર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે આ ઇક્વાઇન આઇડેન્ટિટી જેવી દુર્લભ માનસિક સ્થિતિ હોઈ શકે છે તો કેટલાકનું કહેવું છે કે આ ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઑર્ડર હોઈ શકે છે જે ગંભીર તબક્કે પહોંચી ગયો છે.
