કેટલાક સમયથી ખેડૂતો પણ હવે પોતાનાં પાળતુ દુધાળાં પશુઓ પ્રત્યે વધુ પોતીકાપણું અનુભવવા લાગ્યા છે
પાડાના જન્મદિવસની ઉજવણી
ઉત્તર પ્રદેશના બુરહાનપુરમાં ક્રિશ પારીવાલ નામના ભાઈએ રન નામના પાળેલા પાડાનો ધામધૂમથી જન્મદિવસ ઊજવ્યો હતો. ૯ વર્ષ પહેલાં તેમના જ ઘરમાં આ પાડો જન્મ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પણ હવે પોતાનાં પાળતુ દુધાળાં પશુઓ પ્રત્યે વધુ પોતીકાપણું અનુભવવા લાગ્યા છે. દુધાળાં ઢોરોની દુનિયામાં પાડાની કિંમત ખાસ નથી હોતી, પરંતુ જે બળવાન પાડો હોય છે એ ઊંચી ગુણવત્તાનાં બચ્ચાં પેદા કરતા હોવાથી એની ડિમાન્ડ વધુ હોય છે. ક્રિશના ઘરમાં જે પાડો છે એનું નામ રન પાડવામાં આવ્યું છે અને એને ખવડાવી-પીવડાવીને બરાબર તગડો કરવામાં આવ્યો છે. તાજેતરમાં એનો નવમો જન્મદિવસ મનાવવામાં આવ્યો ત્યારે કેક કાપવામાં આવી, આખા મોહલ્લામાં ડિસ્ક જૉકી (DJ) મ્યુઝિક પર ડાન્સપાર્ટી કરવામાં આવી અને બધાને મીઠાઈ પણ ખવડાવવામાં આવી હતી. આ રન નામનો પાડો એટલા માટે પણ ફેમસ છે કેમ કે એ રોજિંદા જીવનમાં પણ લાટસાહેબ જેવી સાહ્યબી ભોગવે છે. એની ડાયટ માટે મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. રોજ ૧૦ લીટર દૂધ, ૫૦૦ ગ્રામ ડ્રાયફ્રૂટ્સ અને દેશી ઘી ખાતો આ પાડો એક્સરસાઇઝ પણ પુષ્કળ કરે છે. એને કારણે એ અત્યાર સુધીમાં પાંચ દંગલ જીતી લાવ્યો છે.
