લદ્દાખમાં ૨૦,૪૭૨ ફુટ ઊંચું શિખર સર કર્યું જોઈ ન શકતા ઝારખંડવાસીએ
પોતાના સાથી ધીરજ કુમ્હાર સાથે શેખર ગોપ
આંખોમાં રોશની ન હોવા છતાં જેમના ઇરાદાઓમાં પહાડ જેવી મજબૂતી હોય તેઓ દુનિયાનો કોઈ પણ પહાડ સર કરી શકે છે. ઝારખંડના અત્યંત અંતરિયાળ ગામડામાં રહેતા બે દૃષ્ટિહીન યુવાનોએ હિમાલયની પહાડીઓ પર પોતાની અદમ્ય હિંમતનો ઝંડો લહેરાવીને આખા દેશનું નામ રોશન કર્યું છે.
ઝારખંડના ૨૪ વર્ષના શેખર ગોપ અને ૨૩ વર્ષના ધીરજ કુમ્હાર નામના આ બન્ને નેત્રહીન યુવાનોએ લદ્દાખની મરખા વૅલીમાં ૨૦,૪૭૨ ફુટ ઊંચું જો જૉન્ગો શિખર સર કરવાનું અકલ્પનીય સાહસ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
શેખર ગોપે તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પહાડની ટોચ સુધી પહોંચીને ૨૦,૪૭૨ ફુટની ઊંચાઈએ ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. તેના સાથી ધીરજ કુમ્હારે પણ ૧૬,૭૩૨ ફુટ ઊંચા બેઝ-કૅમ્પ સુધીની કઠિન ચડાઈ પૂરી કરી હતી, પરંતુ તબિયત બગડવાને કારણે તેણે ત્યાં જ રોકાઈ જવું પડ્યું હતું.
બ્રેઇલ લિપિ શીખીને તાતા સ્ટીલ ફાઉન્ડેશનના સબળ ઇનિશ્યેટિવ હેઠળ આત્મનિર્ભર બનેલા આ બન્ને દૃષ્ટિહીન વીરોની આ અદ્ભુત સિદ્ધિ જોઈને આખો દેશ તેમને સલામ કરી રહ્યો છે. તેમણે સાબિત કરી દીધું છે કે આંખોની રોશની ભલે જતી રહી હોય, પણ જો મનમાં જુસ્સો હોય તો હિમાલય જેવા પહાડને પણ નમાવી શકાય છે.
