પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં નવદ્વીપ સ્મશાન ઘાટ પર એક કલ્પી ન શકાય એવી ઘટના ઘટી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં નવદ્વીપ સ્મશાન ઘાટ પર એક કલ્પી ન શકાય એવી ઘટના ઘટી. એક વયોવૃદ્ધ મહિલાના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજો આ સ્મશાનમાં આવ્યા હતા. એમાં ૩૦ વર્ષનો ઇન્દ્રજિત વિશ્વાસ નામનો બુઝુર્ગનો પૌત્ર પણ હતો. દાદીના મૃત્યુથી તે એટલો શોકમાં હતો કે તે અંતિમ યાત્રા દરમ્યાન એક શબ્દ બોલ્યો નહોતો. તેની નાજુક હાલત જોઈને પરિવારજનોએ તેને અંતિમ વિધિથી દૂર જ રાખવાનું નક્કી કર્યું હતું. એમ છતાં તે જીદ કરીને સ્મશાન ગયો હતો. પાર્થિવ દેહની પૂજા અને પ્રાર્થના કર્યા પછી અગ્નિદાહ માટે શબને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં નાખવાની તૈયારી ચાલતી હતી અને લોકો ‘હરિ બોલ, હરિ બોલ’ના નારા લગાવી રહ્યા હતા. એ જ વખતે છેક પાછળ ઊભેલો ઇન્દ્રજિત ભીડને ચીરીને શબ પાસે આવ્યો અને શબને અંદર લઈ જતી ગરગડીની સાથે તેણે પણ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કૂદકો મારી દીધો. આ જોઈને આસપાસમાં ઊભેલા લોકો તરત જ સાબદા થઈ ગયા. તેમણે યુવકને પાછો ખેંચવાની કોશિશ કરી પણ સફળતા ન મળી એટલે તેમણે શબની ગરગડી જ પાછી બહાર ખેંચી લીધી. એની સાથે પૌત્ર પણ સળગતી હાલતમાં બહાર આવ્યો હતો. સ્મશાનમાં જે ભઠ્ઠી હોય છે એનું તાપમાન લગભગ ૪૦૦ ડિગ્રી જેટલું ઊંચું હોય છે. એટલે થોડીક ક્ષણોમાં પણ તેનું શરીર ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયું હતું. અલબત્ત, તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જતાં જીવ બચી ગયો હતો.
