LPG સબસિડી ચેક કરવા ગયેલી પશ્ચિમ બંગાળની મહિલાના PNB ખાતામાં અચાનક 99.99 કરોડ રૂપિયા દેખાતા બૅન્કે ખાતું ફ્રીઝ કરી તપાસ શરૂ કરી.
૯૯,૯૯,૯૯,૯૯૭ રૂપિયા બૅન્ક-અકાઉન્ટમાં? ગૅસ-સબસિડી ચેક કરવા ગયેલી બંગાળની શ્રમિક મહિલા સાંભળીને ચોંકી ઊઠી
પશ્ચિમ બંગાળના એક ગામમાં રહેતી ૩૬ વર્ષની કાશ્મીરા શેખ પોતાના પંજાબ નૅશનલ બૅન્ક (PNB)ના અકાઉન્ટમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના સિલિન્ડરની સબસિડી આવી છે કે નહીં એ તપાસવા બૅન્કની શાખામાં ગઈ હતી. ત્યાં બૅન્ક-અધિકારીએ તેને જે માહિતી આપી એ સાંભળીને તેના હોશ ઊડી ગયા હતા. તેના ખાતામાં ૯૯,૯૯,૯૯,૯૯૭ રૂપિયા જમા થયા હતા.
પતરાના છાપરાવાળા મકાનમાં રહેતી અને જરી-ભરતકામ કરીને પોતાના પરિવારને મદદ કરતી કાશ્મીરા માટે આ આંચકો ઓછો નહોતો. આટલી મોટી રકમ ટ્રાન્સફર થતાં જ બૅન્કે તરત તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેનું ખાતું ફ્રીઝ કરી દીધું છે.
જોકે આવો આ કોઈ એક જ કિસ્સો નથી. કલકત્તામાં ક્લાઉડ કિચન ચલાવતી નૂપુર ગુપ્તા નામની મહિલાના ખાતામાં પણ રહસ્યમય રીતે ૪૭ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા, જેની તપાસ હાલ પોલીસ અને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ કરી રહ્યાં છે.
સ્ટેટ લેવલે બૅન્કિંગ સર્વરમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે આ કમાલ થઈ હોવાની શંકા છે.
