આ પુરુષો સ્ત્રીઓ દ્વારા થતા યૌનશોષણના ખોટા આરોપોનો વિરોધ કરવા માટે થઈને આવું કરી રહ્યા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કેરલાના કોઝીકોડમાં આજકાલ ઘણા પુરુષો બસમાં ટ્રાવેલ કરે ત્યારે ચોતરફ કાર્ડબોર્ડ લગાવીને જાય છે. જો મહિલાની બાજુની સીટમાં બેસવું પડે તો વચ્ચે ઊંચું કાર્ડબોર્ડનું આવરણ બનાવી દે છે. બસમાં ઊભા હો ત્યારે પણ ખાલી બૉક્સનાં ખોખાં શરીરે વીંટાળી દે છે જેથી પોતાના શરીરનું કોઈ પણ અંગ ડાયરેક્ટલી બીજા કોઈને અડે નહીં. આ પુરુષો સ્ત્રીઓ દ્વારા થતા યૌનશોષણના ખોટા આરોપોનો વિરોધ કરવા માટે થઈને આવું કરી રહ્યા છે. સ્ત્રીઓ એમ જ યૌનશોષણનો આરોપ લગાવી દે છે, પણ એનાથી પુરુષોની માનસિક અને સામાજિક સ્થિતિ કફોડી થઈ જાય છે. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તેમણે ખૂબ મહેનત કરવી પડે છે અને એ પછી પણ એક વાર જાતીય શોષણનો ધબ્બો લાગી જાય તો એનો ડાઘ તો રહી જ જાય છે. હજી ૧૬ જાન્યુઆરીએ જ ગોવિંદપુરમમાં રહેતા દીપક નામના એક યુવાન પર એક મહિલાએ સોશ્યલ મીડિયામાં જાહેર સ્થળે યૌનશોષણનો આરોપ લગાવતો વિડિયો અપલોડ કર્યો હતો. એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ-મૅનેજર તરીકે કામ કરતા દીપકે પોલીસને કહ્યું હતું કે તેણે આરોપ લગાવનારી મહિલા સાથે કંઈ જ ખોટું નથી કર્યું. જોકે આ વાત સોશ્યલ મીડિયામાં એટલી વાઇરલ થઈ ગઈ કે દીપક એ સહન ન કરી શક્યો. તેણે પોતાના પર ખોટો આરોપ લાગ્યો છે એ માટે કાનૂની કાર્યવાહી કરવાનું પણ નક્કી કર્યું હતું. જોકે એ દરમ્યાન રવિવારે દીપક તેના જ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટના પછી પીડિત પુરુષ સમાજ એનો વિરોધ કરવા માટે આગળ આવ્યો છે. તેમણે જાહેર જગ્યાઓએ કાર્ડબોર્ડથી પોતાના શરીરને ગાર્ડ કરવાનું શરૂ કર્યું છે. કાર્ટન પર પુરુષો માટે પણ ખાસ કમિશન બનાવવાની ડિમાન્ડ કરવામાં આવી છે.


