દા-હોંગ પાઓ નામની વિશ્વની આ સૌથી મોંઘી ચા છે જેની કિંમત ૯ કરોડ રૂપિયા છે
દા-હોંગ પાઓ નામની વિશ્વની આ સૌથી મોંઘી ચા
ચીનમાં એક એવી ચા છે જેની કિંમત અધધધ છે. દા-હોંગ પાઓ નામની વિશ્વની આ સૌથી મોંઘી ચા છે જેની કિંમત ૯ કરોડ રૂપિયા છે. યસ, એક કિલો ચાનો ભાવ ૯ કરોડ રૂપિયા છે. એને કારણે આ ચા ગ્રામમાં નહીં પરંતુ તોલામાં વેચાય છે.
તાજેતરમાં બે તોલા દા–હોંગ પાઓ ચા ૨૬ લાખ રૂપિયામાં વેચાઈ હતી. એ ચીનના ફુજિયાન પ્રાંતના વુઈયી નામની પહાડીઓમાં ઊગે છે. આ પહાડી પથરાળ છે અને અહીં ઊગતી ચાનો સ્વાદ ઘણો અલગ હોવાથી એને રૉક ટી પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ ચા મોંઘી હોવાનું કારણ એની દુર્લભતા પણ છે. આ ચા ખૂબ જૂજ એવા પૌરાણિક મધર પ્લાન્ટમાંથી જ મળે છે. આ પ્લાન્ટ લગભગ ૩૦૦થી ૫૦૦ વર્ષ જૂના છે. ૨૦૦૫થી આ પ્લાન્ટની પત્તીઓને તોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. છેલ્લે જે પત્તીઓ આ પ્લાન્ટ પરથી તૂટીને પડી હતી એ ૨૦ ગ્રામના ૨૬ લાખ રૂપિયાના ભાવે વેચાઈ હતી. આ ચાનો એક કપ લગભગ ૨૦૦૦થી ૨૪૦૦ રૂપિયાનો પડે છે. આ ચામાં હલકી ઑર્કિડ જેવી મહેક આવે છે અને એ કડવી નહીં પણ સ્વીટ સ્વાદની છે. આ ચા તૈયાર કરવાની પ્રોસેસ પણ ખાસ છે. એની પત્તીઓ તોડીને સૂકવીને ભૂંજીને તૈયાર કરવામાં આવે છે. અસલી ચા ૩૦૦ વર્ષથી જૂના ૬ પ્લાન્ટ પરથી જ મળે છે.
કહેવાય છે કે એક સમ્રાટ બીમાર પડી ગયા હતા અને એક ભિક્ષુએ આ ચા આપીને તેમને સાજા કર્યા હતા. ખુશ થઈને સમ્રાટે આ ચાના પ્લાન્ટને લાલ રંગનું કપડું ઓઢાડી દીધું હતું. ચીનની સરકાર આ પ્લાન્ટ્સની સુરક્ષા કરે છે અને ૨૦૦૬માં આ પ્લાન્ટનો ૧૦ કરાડ રૂપિયાનો વીમો પણ ઉતરાવવામાં આવ્યો હતો.
