રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની મૅચ ક્વૉર્ટર ફાઇનલ જેવી : કૅરિબિયનોને કચડીને સાઉથ આફ્રિકા સેમી-ફાઇનલમાં, ઝિમ્બાબ્વે આઉટ.
ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે છેલ્લે સુધી લડત આપીને અણનમ ૯૭ રન કર્યા એ બદલ સૂર્યકુમાર યાદવે તેને શાબાશી આપી હતી.
૬ ભારતીય બૅટર્સે ૧૫૦+ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી : ભારતના ૪ વિકેટે ૨૫૬ રન સામે ઝિમ્બાબ્વે ૬ વિકેટે ૧૮૪ રન કરીને ૭૨ રનથી હાર્યું
ગઈ કાલે સુપર 8ની સાંજની મૅચમાં ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત નોંધાવીને ભારતીય ટીમે સેમી-ફાઇનલની રેસમાં પોતાને જીવંત રાખી હતી. ભારતે અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીના આધારે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૫૬ રન ખડકી દીધા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૪ રન કરી શકી હતી. ભારતીય ટીમે. ૭૨ રને જીત મેળવી હતી. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી ટીમને માત આપનાર જાયન્ટ કિલર ઝિમ્બાબ્વે સુપર 8માં સતત બીજી હાર સાથે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગયું છે.
ADVERTISEMENT
રિન્કુ સિંહના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવનાર સંજુ સૅમસને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ૧૫ બૉલમાં ૧ ફોર અને ૨ સિક્સ ફટકારીને ૨૪ રન કર્યા હતા. અન્ય ઓપનર અભિષેક શર્માએ ભારત માટે આ ફૉર્મેટમાં પોતાની ૨૬ બૉલની સ્લોએસ્ટ સદી ફટકારીને વર્લ્ડ કપમાં પહેલી ફિફટી નોંધાવી હતી. તેણે ૩૦ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સની મદદથી પંચાવન રન કર્યા હતા.
ત્રીજા ક્રમે રમીને ઈશાન કિશને ૨૪ બૉલમાં ૩૮ રન અને ચોથા ક્રમે રમીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૧૩ બૉલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. છેક છઠ્ઠા ક્રમે રમવા આવેલા તિલક વર્માએ ૪ સિક્સ, ૩ ફોર ફટકારીને ૧૬ બૉલમાં ૪૪ રન કર્યા હતા. પાંચમા ક્રમે રમી રહેલા હાર્દિક પંડ્યાએ ૨૩ બૉલમાં બે ફોર અને ૪ સિક્સની મદદથી ૫૦ રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ અંતિમ બૉલમાં સિક્સ ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરવાની સાથે ભારતનો સ્કોર ૨૫૬ રનનો કર્યો હતો. ઝિમ્બાબ્વેના ચાર બોલર્સે એક-એક વિકેટ લીધી હતી એમાંથી કૅપ્ટન અને સ્પિનર સિકંદર રઝા ૩ ઓવરમાં માત્ર ૨૯ રન આપીને સૌથી સફળ રહ્યો હતો.

અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી.
|
સુપર 8 ગ્રુપ વનનું પૉઇન્ટ-ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝસ્ટ |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
સાઉથ આફ્રિકા |
૨ |
૨ |
૦ |
૪ |
+૨.૮૯૦ |
+૧.૪૯૧ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૨ |
૧ |
૧ |
૨ |
+૧.૭૯૧ |
+૩.૦૫૦ |
|
ભારત |
૨ |
૧ |
૧ |
૨ |
-0.૧૦૦ |
-૦.૪૬૧ |
|
ઝિમ્બાબ્વે |
૨ |
૦ |
૨ |
૦ |
-૪.૪૭૫ |
-૨.૮૦૦ |
250: સતત બે ઇનિંગ્સમાં આટલા રન આપનાર પહેલી ઇન્ટરનૅશનલ ટીમ બની ઝિમ્બાબ્વે.

અભિષેક શર્મા પંચાવન રન બનાવીને આઉટ થયો ત્યારે તેને બિરદાવતો ઝિમ્બાબ્વેનો પ્લેયર. સૂર્યકૂમાર યાદવે માત્ર ૧૩ બૉલમાં ૩૩ રન ફટકાર્યા. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ ૮૪ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી.
રનનો ઢગલો કરીને ટીમ ઇન્ડિયાએ બનાવ્યા આ રેકૉર્ડ
- T20 વર્લ્ડ કપમાં ભારતે પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો. આ અગાઉ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે ૨૧૮-૪નો સ્કોર કર્યો હતો. ભારતનો ઓવરઑલ હાઇએસ્ટ પાંચમો T20 સ્કોર રહ્યો.
- T20 વર્લ્ડ કપ ઇતિહાસનો આ બીજો હાઇએસ્ટ સ્કોર હતો. અગાઉ શ્રીલંકાએ કેન્યા સામે ૨૦૦૭માં ૨૬૦-૬નો અને હાલમાં વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વે સામે ૨૫૪-૬નો સ્કોર કર્યો હતો.
- એક T20 વર્લ્ડ કપ ઇનિંગ્સમાં ભારતે પોતાની હાઇએસ્ટ ૧૭ સિક્સ ફટકારી હતી. એક T20 વર્લ્ડ કપમાં પોતાની હાઇએસ્ટ ૬૩ સિક્સ પણ નોંધાવી હતી.
- એક T20 વર્લ્ડ કપ ઈનિંગ્સમાં પહેલી વખત છ બૅટર્સે ૧૫૦ પ્લસની સ્ટ્રાઈરેટ રેટથી ૨૦ પ્લસ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ ટીમ ઈન્ડિયાને નામે થયો છે.
વિશાળ સ્કોર સામે પ્રેશર વગર બ્રાયન બેનેટ અને સિકંદર રઝાએ મોટી ઇનિંગ્સ રમીને ભારતીય બોલર્સને વધુ સફળ થવા નહોતા દીધા. કૅપ્ટન સિકંદર રઝાએ ૨૧ બૉલમાં ૩૧ રન કર્યા હતા જ્યારે ઓપનર બ્રાયન બેનેટે ૮ ફોર અને ૬ સિક્સની મદદથી ૫૯ બૉલમાં અણનમ ૯૭ રન ફટકાર્યા હતા.
ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને સૌથી વધુ ૩ વિકેટ મળી હતી. વૉશિંગ્ટન સુંદરના સ્થાને રમી રહેલા અક્ષર પટેલે સાથી-સ્પિનર વરુણ ચક્રવર્તીની જેમ ૪ ઓવરમાં ૩૫ રન આપીને એક વિકેટ લીધી હતી. શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી, પણ બે ઓવરમાં તેણે ચાર વાઇડ બૉલ અને બે નો-બૉલ સહિત ૪૬ રનની લહાણી કરી દીધી હતી.
