ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૭ રન કર્યા, પણ શ્રીલંકાએ બન્ને ઓપનર્સની સદીની મદદથી ૪૧.૩ ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવીને બાજી મારી લીધી
સિનેથ જયવર્દનેની ૭૦ બૉલમાં ૧૦૫ રનની જોરદાર ઇનિંગ્સ (ડાબે) અને જીતની ખુશીમાં શ્રીલંકન પ્લેયર.
મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની સેમી-ફાઇનલમાં ગઈ કાલે શ્રીલંકા Aની ટીમે ભારતની A ટીમને સજ્જડ પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટે કરેલા ૩૧૭ રનના જવાબમાં શ્રીલંકાએ માત્ર ૪૧.૩ ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવીને ૩૧૮ રન કરી લીધા હતા. શ્રીલંકાના બન્ને ઓપનર્સે સેન્ચુરી ફટકારીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. લસિથ ક્રૂસમુલે ૧૦૭ બૉલમાં ૧૧૬ રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે સિનેથ જયવર્દનેએ ૭૦ બૉલમાં ૧૦૫ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ભારતે અભિષેક શર્માના આક્રમક ૭૮, શાહબાઝ અહમદના અણનમ ૫૪ અને કૅપ્ટન તિલક વર્માના ૫૩ રનની મદદથી ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૭ રન બનાવ્યા હતા. મિડલ ઓવરોમાં સ્પિનરો સામે ધબડકો થયો હોવા છતાં ઇન્ડિયા A ૩૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી ઇન્ડિયા A ટીમે ધીમી પિચ પર ઝડપી શરૂઆત કરી હતી. આ પિચ પર બૉલ બૅટર્સ પર ઘણી વાર અટકીને આવી રહ્યો હતો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે રેકૉર્ડબ્રેક બેવડી સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ ૨૭ બૉલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૪૦ રન ફટકાર્યા હતા. આઠમી ઓવરમાં ફાસ્ટ બોલર જનિથ લિયાનગેએ શૉર્ટ બૉલથી વૈભવ સૂર્યવંશીને ચોંકાવી દીધો હતો. પુલ શૉટ પર નિયંત્રણ ગુમાવતાં વૈભવ સૂર્યવંશી મિડ-ઑન પર કૅચઆઉટ થયો હતો. લસિથ મલિંગા જેવી ઍક્શન ધરાવતા રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ગરુકા સંકેત લય માટે ઝઝૂમતો જોવા મળ્યો હતો અને તેણે ૮ ઓવરમાં ૧૧ વાઇડ બૉલ સાથે ૬૪ રન આપ્યા હતા.
બીજી તરફ અભિષેક શર્માએ ઑફ-સાઇડમાં સતત ગૅપ શોધીને ૧૪મી ઓવરમાં એક્સ્ટ્રા કવર પરથી ડ્રાઇવ લગાવીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ૬૯ રનના સ્કોર પર શ્રીલંકા Aના કૅપ્ટન પવન રત્નાયકેએ કવર પર એક સરળ કૅચ છોડતાં અભિષેક શર્માને જીવતદાન મળ્યું હતું. અભિષેક શર્માએ તિલક વર્મા સાથે બીજી વિકેટ માટે ૮૩ બૉલમાં ૭૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ૨૨મી ઓવરમાં વાઇડ બૉલને લૉન્ગ-ઑફ પર સીધો ફટકારવાના પ્રયાસમાં અભિષેક શર્મા આઉટ થયો હતો.
અભિષેક શર્માએ ૬૩ બૉલની ઇનિંગ્સમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ઑફ-સ્પિનર રવિન્દુ ફર્નાન્ડોની ઓવરમાં શરૂઆતમાં જ છગ્ગો ફટકારનાર તિલક વર્માએ ત્યાર બાદ સંભાળીને બૅટિંગ કરી હતી અને ૩૧મી ઓવરમાં ૬૩ બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ૨૯ ઓવરના અંતે બે વિકેટે ૧૯૭ રન સાથે ઇન્ડિયા A મજબૂત સ્થિતિમાં હતી.
ત્યાર બાદ શ્રીલંકાના ઑફ-સ્પિનરોએ મૅચ પર પકડ જમાવી હતી. નિપુન ધનંજયાએ કુમાર કુશાગ્ર (૨૧)ને શૉર્ટ મિડ-વિકેટ પર પવન રત્નાયકેના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. પવન રત્નાયકેએ બીજા પ્રયાસમાં આ કૅચ ઝડપ્યો હતો. ત્રણ ઓવર બાદ રવિન્દુ ફર્નાન્ડોએ સ્વીપ શૉટ રમવા ગયેલા તિલક વર્માને LBW આઉટ કર્યો હતો. ત્યાર બાદ રવિન્દુ ફર્નાન્ડોના બૉલ પર રિન્કુ સિંહ (૧૨)ને પણ LBW આઉટ આપવામાં આવ્યો હતો, જોકે રિપ્લેમાં બૉલ બૅટની અંદરની કિનારીને અડ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) ઉપલબ્ધ ન હોવાથી રિન્કુ સિંહને પૅવિલિયન પરત ફરવું પડ્યું હતું અને મેદાન છોડતાં પહેલાં તેણે અમ્પાયરના નિર્ણય પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ૪૦મી ઓવરમાં સૂર્યાંશ શેડગે (૧૦) નિપુન ધનંજયાના બૉલ પર ડીપ મિડ-વિકેટ પર રવિન્દુ ફર્નાન્ડોના હાથે કૅચઆઉટ થયો હતો. થર્ડ અમ્પાયરે ડાઇવિંગ કૅચ યોગ્ય રીતે ઝડપાયો છે કે નહીં એની લાંબી તપાસ કર્યા બાદ સૂર્યાંશ શેડગેને આઉટ જાહેર કર્યો હતો. ઇન્ડિયા A ટીમે ૩૦થી ૪૦ ઓવર દરમિયાન ૩૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર છ વિકેટે ૨૩૫ રન થઈ ગયો હતો. ત્યાર બાદ શાહબાઝ અહમદ અને તનુષ કોટિયને સમજદારીપૂર્વક સ્ટ્રાઇક રોટેટ કરીને ઇનિંગ્સને સંભાળી હતી અને અંતિમ ઓવરોમાં આક્રમક બૅટિંગ કરી હતી. ૪૩મી ઓવરમાં નિપુન ધનંજયાએ શૉર્ટ કવર પર તનુષ કોટિયાનનો કૅચ છોડ્યો હતો, જે શ્રીલંકાની નબળી ફીલ્ડિંગનો વધુ એક નમૂનો હતો.
ADVERTISEMENT
આ જોડીએ સાતમી વિકેટ માટે ૫૫ બૉલમાં ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. શાહબાઝ અહમદે ગરુકા સંકેત અને લેફ્ટ-આર્મ સ્પિનર વનુજા સહાનની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ જનિથ લિયાનગેના સ્લોઅર બાઉન્સર પર પુલ શૉટ વડે છગ્ગો ફટકારીને શાહબાઝ અહમદે પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ઇન્ડિયા Aનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો. ૪૯મી ઓવરના અંતિમ બૉલ પર તનુષ કોટિયન (૩૦ બૉલમાં ૨૮ રન) ડીપમાં કૅચઆઉટ થયો હતો. ગરુકા સંકેતે શાનદાર યૉર્કર વડે હર્ષિત રાણાને પહેલા જ બૉલ પર શૂન્ય રને બોલ્ડ કર્યો હતો, પરંતુ હર્ષ દુબેએ ૪ બૉલમાં અણનમ ૮ રન ફટકારીને શાનદાર અંદાજમાં ઇનિંગ્સ પૂરી કરી હતી. શ્રીલંકા તરફથી નિપુન ધનંજયા સૌથી કરકસરયુક્ત બોલર રહ્યો હતો અને તેણે ૧૦ ઓવરમાં ૪૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દુ ફર્નાન્ડો અને જનિથ લિયાનાગેએ પણ બે-બે વિકેટ મેળવી હતી.
