બે સેન્ચુરીની મદદથી આફ્રિકાનો સ્કોર બે વિકેટે ૩૦૭ રન
ટોની ડીઝોર્ઝીએ ૧૪૧ રન (ડાબે) અને ટ્રિસ્ટન સ્ટબ્સે ૧૦૬ રન બનાવ્યા હતા.
ચટ્ટોગ્રામમાં ગઈ કાલે બંગલાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. પહેલી ટેસ્ટ જીતીને બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં લીડ મેળવી ચૂકેલી સાઉથ આફ્રિકાની ટીમે ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરી હતી. બે સેન્ચુરીની મદદથી આ ટીમે પહેલા દિવસે ૮૧ ઓવર્સમાં બે વિકેટ ગુમાવીને ૩૦૭ રનનો સ્કોર ખડકી દીધો હતો. ખરાબ પ્રકાશને કારણે દિવસની રમત સમય પહેલાં બંધ કરવી પડી હતી.
આ મૅચમાં ઓપનર ટૉની ડીઝોર્ઝી (અણનમ ૧૪૧ રન) અને મિડલ ઑર્ડર બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સે (૧૦૬ રને આઉટ) પોતાના કરીઅરની પહેલવહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી. બન્ને વન-ડે ફૉર્મેટમાં ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. બન્નેએ બીજી વિકેટ માટે ૨૦૧ રનની પાર્ટનરશિપ કરીને સાઉથ આફ્રિકાનો સ્કોર મજબૂત કર્યો હતો. લેફ્ટ આર્મ સ્પિનર તૈજુલ ઇસ્લામે ગઈ કાલે એઇડન માર્કરમ (૩૩ રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ ઝડપી હતી. આજે બીજા દિવસે ટોની ડીઝોર્ઝી અને ડેવિડ બેડિંગહમ (૧૮ રન) સાઉથ આફ્રિકાની ઇનિંગ્સને આગળ વધારશે.
ADVERTISEMENT
પાકિસ્તાન બાદ બંગલાદેશને પણ બદલવો પડશે કૅપ્ટન?
બંગલાદેશ ક્રિકેટ ટીમને સતત મળી રહેલી નિષ્ફળતાને કારણે નઝમુલ હુસેન શાન્તો કૅપ્ટન્સી છોડી શકે છે. તે ફેબ્રુઆરી ૨૦૨૪થી ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન છે. અહેવાલ અનુસાર ૧૦ વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી રહેલો લેફ્ટ આર્મ સ્પિનર બંગલાદેશનો નવો કૅપ્ટન બની શકે છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કૅપ્ટન બનવા માટે પોતાની સંપૂર્ણ તૈયારી બતાવી હતી. ઉજ્જ્વળ ભવિષ્યની શોધમાં બંગલાદેશ ક્રિકેટ પણ મોટા ફેરફાર કરી શકે છે.