પ્રૅક્ટિસ-સેશનમાં બૉલની અછત સહિત તાલીમ માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો
કોચ અને પ્લેયર્સ રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળ્યા. ખરાબ મૅનેજમેન્ટને કારણે લીગના ભવિષ્ય વિશે ઊભા થયા પ્રશ્નો.
આજથી બંગલાદેશ પ્રીમિયર લીગની બારમી સીઝનની શરૂઆત થશે. ટુર્નામેન્ટની ૬ ટીમ વચ્ચે ટોટલ ૩૪ મૅચ સિલહટ, ચટ્ટોગ્રામ અને ઢાકામાં રમાશે. ૨૩ જાન્યુઆરીએ ઢાકામાં ફાઇનલ મૅચ રમાશે. ઑલમોસ્ટ દરેક દિવસે બે મૅચ રમાશે અને ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦, ૧.૩૦, ૫.૩૦, ૬.૩૦ વાગ્યે મૅચની શરૂઆત થશે.
ભારતનો પડોશી દેશ હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અરાજકતા, અસમંજસ અને અમાનવીય હિંસા વચ્ચે આ લીગમાં ખરાબ મૅનેજમેન્ટની ફરિયાદો લીગની પ્રારંભ પહેલાં જ સામે આવી રહી છે. નોઆખલી એક્સપ્રેસના કોચ અને પ્લેયર્સ પ્રૅક્ટિસ-સેશનમાં બૉલની અછત સહિત તાલીમ માટે વ્યવસ્થાના અભાવની ફરિયાદ કર્યા પછી સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા. કોચ અને પ્લેયર્સને હોટેલ જવા માટે રિક્ષા લેવી પડી હતી. આ ઘટનાનો ફોટો આખા ક્રિકેટજગતમાં વાઇરલ થયો છે.
ADVERTISEMENT
સ્પૉન્સર્સના અભાવે ટીમમાલિક અંતિમ ઘડીએ ખસી ગયા
ચટ્ટોગ્રામ રૉયલ્સના નવા માલિકે લીગની શરૂઆત પહેલાં જ ખસી જવાનો નિર્ણય લીધો હતો. અહેવાલ અનુસાર ટ્રાયેન્ગલ સર્વિસિસ લિમિટેડે બંગલાદેશ ક્રિકેટ બોર્ડને લેટર લખીને ટીમમાં સ્પૉન્સરની રુચિના અભાવે આ નિર્ણય લીધો હોવાની જાણ કરી હતી. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ આ અણધારી પરિસ્થિતિમાં આ ટીમની જવાબદારી પોતે સંભાળવા મજબૂર થયું છે.


