વિશ્વ ચૅમ્પિયન બનાવવા માટે એજ્યુકેશન સિસ્ટમમાં રમતને મુખ્ય વિષયમાં સ્થાન આપવું જોઈએ : બાઇચુન્ગ ભૂટિયા
બાઇચુન્ગ ભૂટિયા
ભારતીય ફુટબૉલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન બાઇચુન્ગ ભૂટિયાએ ગઈ કાલે દિલ્હીમાં નૅશનલ યુથ ફેસ્ટિવલ 2025ના વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલૉગમાં હાજરી આપી હતી. દેશભરમાંથી આવેલા યુવાનો સાથે ચર્ચા દરમ્યાન તેણે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ઇન્ટરનૅશનલ લેવલ પર ભારત માટે ૧૦૪ મૅચમાં ૪૩ ગોલ કરનાર આ ભૂતપૂર્વ ફુટબૉલરે ભવિષ્યના વિશ્વ ચૅમ્પિયન બનાવવા માટે રમતગમતલક્ષી અભ્યાસક્રમને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.
સિક્કિમનો ૪૮ વર્ષનો બાઇચુન્ગ ભૂટિયા કહે છે, ‘આપણે શિક્ષણ મંત્રાલય સાથે મળીને કામ કરીને એક એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ જે રમતગમતની નીતિઓને પ્રોત્સાહન આપે. દરેક બાળકને ડૉક્ટર, એન્જિનિયર બનવા અને અભ્યાસમાં સારું પ્રદર્શન કરવાનું કહેવામાં આવે છે; પરંતુ રમતગમત માટે એક અનુકૂળ વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી દેશમાંથી વધુ વિશ્વ ચૅમ્પિયન ઊભરી શકે. રમતગમતપ્રધાન અને શિક્ષણપ્રધાને સાથે મળીને આ વિશે ચર્ચા કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે રમતગમત અભ્યાસક્રમના મુખ્ય વિષયોમાંનો એક હોય.’