રામ મંદિરના નિર્માણના ખર્ચ કરતાં ત્રણ ગણી રકમ મહાકુંભ પાછળ ખર્ચ થશે, IPLથી ૧૦ ગણી કમાઈ થશે, પાકિસ્તાનની વસ્તીથી લગભગ બમણા ભાવિકો પધારશે સંગમમાં ડૂબકી લગાવવા, દુનિયાની વસ્તીના પાંચ ટકા લોકો એક જ સ્થળે અને એક જ શહેરમાં આવશે
મહાકુંભ ડાયરી
મહાકુંભની તૈયારી
સોમવારથી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ અંતિમ ચરણમાં છે અને સાધુ-સંતોના પ્રવેશ તેમના અખાડામાં શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના પવિત્ર એવા પ્રયાગરાજ શહેરમાં દુનિયાભરના લોકો ગંગા, યમુના અને કાલ્પનિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા અને તેમના પાપને ધોવા પધારશે.
મહાકુંભ એક એવો ઉત્સવ છે જેમાં દુનિયાની કુલ વસ્તીના પાંચ ટકા લોકો એક જ સ્થળે અને એક શહેરમાં આવશે.
ADVERTISEMENT
પાકિસ્તાન કરતાં બમણા લોકો
આ મહાકુંભમાં આશરે ૪૦ કરોડથી વધારે ભાવિકો આવે એવી શક્યતા છે અને આ સંખ્યા પાકિસ્તાનની કુલ વસ્તી ૨૪ કરોડ કરતાં લગભગ બમણી રહેશે. અમેરિકાની વસ્તી ૩૫ કરોડ છે, જ્યારે રશિયાની વસ્તી માત્ર ૧૪ કરોડની છે.
૧૬૦ મોદી સ્ટેડિયમ બની જાય
દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એ પચીસ હેક્ટર વિસ્તારમાં બન્યું છે. મહાકુંભનું આયોજન દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમના ૧૬૦ ગણા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. કુલ આયોજન ૪૦૦૦ હેક્ટરમાં થઈ રહ્યું છે.
પબ્લિક ટૉઇલેટની સંખ્યા અમેરિકા કરતાં ૩૦૦ ગણી
કુંભમેળામાં દોઢ લાખ પબ્લિક ટૉઇલેટ બ્લૉક તૈયાર કરવામાં આવ્યા છે. આમ કુંભમેળામાં દર એક લાખ વ્યક્તિએ ૨૬૬૬ ટૉઇલેટ ઉપલબ્ધ છે. અમેરિકામાં પ્રતિ એક લાખ લોકોએ માત્ર ૮ પબ્લિક ટૉઇલેટ ઉપલબ્ધ છે. એ તુલનામાં અમેરિકા કરતાં ૩૦૦ ગણા વધારે ટૉઇલેટ કુંભમેળામાં ઉપલબ્ધ છે.
રામમંદિર કરતાં ત્રણ ગણો ખર્ચ
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ૧૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, પણ મહાકુંભ માટે એનાથી
ત્રણ ગણી રકમ ખર્ચવામાં આવી છે. કુંભમેળાના આયોજનમાં આશરે ૬૩૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે.
કમાણીમાં અવ્વલ રહેશે
કમાણીની વાત કરવામાં આવે તો દુનિયામાં સૌથી વધારે કમાણી કરતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કરતાં એની કમાણી ૧૦ ગણી થવાની ધારણા છે. ૨૦૨૩ના IPLની કમાણી ૧૨,૦૦૦ કરોડ રૂપિયા રહી હતી, પણ ૨૦૧૯ના કુંભમેળાની કમાણી ૧,૨૦,૦૦૦ કરોડ રૂપિયા રહી હતી.
સૌથી વધુ ભાવિકો આવશે
૨૦૧૯માં પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં ૨૪ કરોડ ભાવિકો આવ્યા હતા. આ વખતે આ આંકડો ૪૦ કરોડને પાર જવાની ધારણા છે.